કચ્છ જિલ્લામાંથી રાજકોટ, જામનગર અને મોરબી તરફ જવા માટે રાત્રે છેલ્લી ઉપડતી માંડવી જામનગર બસમાં ઘણા મુસાફરો પોતાની મંઝિલ સુધી જવા માટે મુસાફરી કરી રહ્યા હતા. આ બસ રાત્રે સામખયારી પુલ પાસે પહોંચી ત્યારે કોઈ કારણોસર આ બસ બંધ થઈ ગઈ હતી. જેથી મુસાફરો દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને તેની જાણ કરવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.
પરંતુ ભુજ-ભચાઉ અને માંડવી આ ત્રણેય જગ્યાના ડેપો મેનેજરના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો પણ ફોન બંધ આવતા હોવાથી મુસાફરો તેની સાથે વાત કરી શક્યા ન હતા અને જ્યારે એસ.ટી.ના કસ્ટમરકેર નંબર ઉપર વાત કરી ત્યારે ત્યાંથી પણ તેઓને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી કરીને 6 કલાકથી મુસાફરો સામખયારી પુલ પાસે એસટી બસને રાહ જોઈને બેઠા હતા અને કલાકો સુધી રઝળ્યા બાદ બસ મેળવીને મુસાફરો પોતાના લક્ષ્ય તરફ આગળ વધ્યા હતા. જોકે એસટી બસમાં અવારનવાર આ રીતે મુસાફરો રઝળી પડતા હોય છે ત્યારે તંત્ર બસ બગડે તેવી સ્થિતિમાં વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે.