મોરબી : ગત દિવાળીની રજાઓમાં મોરબીની શાન મનાતા ઝુલતા પુલ પર અનેક પરિવારો ફરવા પહોંચ્યા હતા. ત્યારે ઝૂલતો પુલ ઓચિંતો તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. જે દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા હતા. જે બનાવને પગલે પોલીસે ઝુલતા પુલની જવાબદારી સંભાળતા ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલ, મેનેજર સહિત 10 આરોપીને ઝડપી લીધા હતા.
મોરબી ઝુલતો પુલ દુર્ઘટના : આ દુર્ઘટનાનો કેસ મોરબી કોર્ટમાં તેમજ ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં ઘટનાની તપાસ માટે બનાવેલ SIT ટીમ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કંપનીને જવાબદાર ગણવા જણાવ્યું છે. ત્યારે આ મામલે દુર્ઘટનામાં મોતને ભેટેલા મૃતકોના પરિવારજનો અને મૃતકોના પરિવારને ન્યાય મળે તેના માટે કાર્યરત ટ્રેજેડી વિકટીમ એસોસિએશન, મોરબી નામની સંસ્થાના અગ્રણી શું કહે છે, આવો જોઈએ વિશેષ અહેવાલમાં...
SIT રિપોર્ટ : ઝુલતો પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં કેસ ચાલે છે અને દુર્ઘટનાની તપાસ માટે સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. જે ટીમ દ્વારા આજે હાઈકોર્ટમાં 4000 થી 5000 પાનાનો રિપોર્ટ આપવામાં આવ્યો હોવાની માહિતી મીડિયાના માધ્યમથી મળી છે. જે રિપોર્ટ પોઝીટીવ છે. હાલ મૃતકોના પરિવારના એડવોકેટ રિપોર્ટનો અભ્યાસ કરી રહ્યા છે. રિપોર્ટમાં ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલ અને મેનેજરને જવાબદાર ગણાવ્યા છે. તો હાલ વકીલ અભ્યાસ કરે છે અને કોઈ કચાશ હશે તો તે મુજબ કાર્યવાહી કરીશું.
કડક કાર્યવાહીની માંગ : તો ઝુલતો પુલ દુર્ઘટનામાં દીકરી ગુમાવનાર તેમજ ટ્રેજેડી વિકટીમ એસોસિએશનના સભ્ય જગદીશ પરમારે જણાવ્યું હતું કે, સીટ રીપોર્ટમાં કંપની જવાબદાર બનાવવા કહ્યું છે, કંપની જ જવાબદાર હતી. રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ વધુ જાણી શકીશું, પરંતુ તેઓ કંપનીને જ જવાબદાર માને છે. એટલું જ નહિ અધિકારી હોય કે પદાધિકારી જે આરોપી હોય જેના નામો ખુલે તેની સામે કડક કાર્યવાહી કરી ઉદાહરણ બેસાડવું જોઈએ.
મૃતકના પરિવારજનોનું દુઃખ : મોરબી ઝુલતો પુલ દુર્ઘટના બન્યાને એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. પરંતુ પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો હજુ પણ એ ચીસ ભૂલી શક્યા નથી. તો હવે ન્યાયિક પ્રક્રિયા પણ ચાલી રહી છે. જેમાં હાઈકોર્ટમાં સીટનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કંપનીને જવાબદાર ગણવા જણાવ્યું છે જે માંગ આ મૃતકના પરિવારજનો પણ લાંબા સમયથી કરી રહ્યા છે. આ અંગે કોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. આમ મૃતકોના પરિવારને હજુ પણ ન્યાય તંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ જોવા મળી રહ્યો છે. અદાલતમાંથી તેમને ન્યાય મળશે તેવી આશા પરિવારના સભ્યો સેવી રહ્યા છે.