મોરબીના નહેરુ ગેઇટ શાક માર્કેટ પાછળ ગટરના પાણીનો નિકાલ થતો ન હોય ,જેથી ગટરના ગંદા પાણી ઉભરાય છે. જે અંગે નગરપાલિકામાં અનેક રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી શુક્રવારના રોજ સ્થાનિક વેપારીઓએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યુ હતું.
જેમાં જણાવ્યુ છે કે ઉભરાતી ગટરના કારણે 250 થી વધુ ધંધાર્થીઓ તેમજ ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ઉભરાતી ગટરને કારણે પગપાળા પસાર થવું મુશ્કેલ બને છે, તેમજ ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. નગરપાલિકાના સત્તાધીશો કે સફાઈ કર્મચારીઓ અનેક રજૂઆત બાદ પણ ફરક્યા નથી, જેથી શાક માર્કેટમાં ગંદકી મામલે યોગ્ય પગલા ભરવાની માગ કરી હતી.