મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી સંકલન સમિતિ બેઠકમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રોડ ઉપરના દબાણો દૂર કરવા કલેકટરે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. જેના પગલે મંગળવારના રોજ પોલીસને સાથે રાખીને મોરબી નગરપાલિકાની ટીમએ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. શહેરના રવાપર રોડ, ઉમિયા સર્કલ, કેનાલ સહિતના વિસ્તારોમાં રસ્તા પર નડતરરૂપ 3 કેબિન, 20 ઝુંપડા, 3 લારી, 20 જેટલા છાપરા સહિતના દબાણો હટાવ્યા હતા અને રસ્તો ખુલ્લો કર્યો હતો.
મોરબી તંત્ર દ્વારા આવી કામગીરી એકાદ-બે દિવસ કરી ફરી જેસે થે સ્થિતિ જોવા મળતી હોય છે, જેથી દબાણો ફરી ખડકાય જતા હોય છે. તો વળી ગરીબોની લારી-ગલ્લા હટાવતા બહાદુર તંત્રને ગેરકાયદેસર ખડકી દેવાયેલી હાઈરાઈઝ બિલ્ડીંગોના દબાણો કેમ નજરે પડતા નથી તેવા સવાલો પણ નાગરિકોમાં ચર્ચાય રહ્યા છે. ગેરકાયદેસર દબાણો મામલે સ્થાનિક લોકો તંત્રને અરજીઓ કરીને કાર્યવાહી માટે માંગ કરતા જોવા મળે છે. આમ છતાં બહાદુર તંત્ર રાજકીય વર્ગ ધરાવતા લોકો સામે લાચારી અનુભવતા હોય તેમ દબાણો મામલે આંખ આડા કાન કરતા હોય છે.