મોરબી: ઓરીજનલ ચોમાસું આવી ગયું છે. જેની અસર ગુજરાતના અનેક જિલ્લામાં જોવા મળી રહી છે. આવનારા 5 દિવસ પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. અંબાલાલ પટેલની પણ આગાહી સાચી પડી છે પહેલા વાવાઝોડું અને હવે વરસાદ પડ્યો છે.વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
ભારે વરસાદ નોંધાયો: જિલ્લામાં ગુરુવારે રાત્રીના 8 કલાકથી શુક્રવારે સવારે 8 કલાક સુધીમાં ટંકારા તાલુકામાં 22 મીમી, માળિયા તાલુકામાં 02 મીમી, મોરબી તાલુકામાં 79 મીમી, વાંકાનેર તાલુકામાં 50 મીમી અને હળવદ તાલુકામાં 5 મીમી વરસાદ નોંધાયો હતો. તેમજ શુક્રવારે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરેલ આગાહી મુજબ મોરબીમાં ભારે વરસાદ નોંધાયો હતો અને ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ વરસતા શહેર પાણી પાણી થઇ ગયું હતું.
" હળવદ તાલુકાના સુસવાવ નજીક આવેલ શક્તિ સાગર (બ્રાહ્મણી-2 ) ડેમ રૂટ લેવલ મુજબ 100 ટકા ભરાઈ ગયો છે. તેમજ પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત હોવાથી હેઠવાસમાં આવતા ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં નહિ જવા સુચના આપવામાં આવી છે.હળવદ તાલુકાના સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર અને માનગઢ સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે"--(ડેમ અધિકારી)
સાવચેત રહેવા સુચના: મોરબીના જુના સાદુળકા નજીક આવેલ મચ્છુ ૩ ડેમમાં પણ ઉપરવાસની આવકને પગલે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. આજે મચ્છુ 3 ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં 1676 ક્યુસેકના પ્રવાહની આવક છે. જેથી 1676 કયુસેક પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.જેથી હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના ગોરખીજડીયા, વનાળીયા, સાદુળકા, માનસર, રવાપર (નદી), અમરનગર, નારણકા, ગુંગણ, નાગડાવાસ, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, ફતેપર, માળિયા (મી) અને હરીપર સહિતના 20 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ગ્રામજનોએ નદીના પટમાં નહિ જવા તેમજ સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.