મોરબીમાં ડોક્ટર મિત્રોએ શરૂ કરેલું સફાઈ અભિયાન પૂરજોશમાં આગળ વધી રહ્યું છે અને નાગરિકો સફાઈ અભિયાનમાં જોડાઈને હોશભેર ઝાડું ઉઠાવીને સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવી રહ્યા છે. જેમાં આજે કેનાલ ચોકડી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
મોરબીમાં દર રવિવારે સવારે સફાઈ અભિયાન ચલાવવાનું ડોક્ટર મિત્રોએ બીડું ઝડપ્યું હતું અને શહેરીજનોને પણ સફાઈ અભિયાનમાં જોડાવવા માટે કરેલી અપીલ કામ કરી ગઈ હોય તેમ વેપારીઓ, યુવાનો અને વૃધ્ધો પણ સફાઈ અભિયાનમાં જોડાઈ ગયા છે.
યુવાનોએ તો હોશભેર સફાઈ કરી હતી સાથે જ પાનાબાપા નામના ૭૦ વર્ષના વૃદ્ધે પણ ઝાડું પકડીને યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે સફાઈ અભિયાનમાં જોડાયા હતા, ત્યારે યુવાનોને પણ નવી પ્રેરણા મળી હતી શહેરને સ્વચ્છ બનાવવા તેમજ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા સ્વચ્છતા ટીમ મોરબી દ્વારા સફાઈ અભિયાન ચાલી રહ્યું છે.