- મોરબીમાં હળવદની ડી. વી. રાવલની કોલેજમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
- બીએની પરીક્ષાના ફોર્મ ભરવા આવેલા વિદ્યાર્થીઓ ભૂલ્યા કોરોના ગાઈડલાઈન
- કોલેજના પ્રોફેસરોએ પણ કોરોના ગાઈડલાઈનના પાલનમાં રસ ન દાખવ્યો
મોરબીઃ એક તરફ સરકાર કોરોનાને નાથવા માટે વિવિધ અગમચેતી પગલાં લઈ રહી છે. કરફ્યૂ લગાવી રહી છે. કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી રહી છે. આ બધાને નેવે મૂકી મોરબીની કોલેજમાં વિદ્યાર્થીઓ કોરોના માર્ગદર્શિકાનું ભાન ભૂલ્યા છે. હળવદની ડી. વી. રાવલ કોલેજના વિદ્યાર્થીઓ સરકારની અપીલ પર પાણી ફેરવતા જોવા મળ્યા હતા. આ સમગ્ર માહિતી ત્યારે બહાર આવી જ્યારે કોલેજના વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વગર કેમ્પસમાં જોવા મળ્યા હતા. આ કોલેજનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો, ત્યારે કોરોના માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થયું તે સામે આવ્યું હતું. જોકે પ્રોફેસરો દ્વારા પણ વિદ્યાર્થીઓને કોરોના માર્ગદર્શિકા પાલન કરવાનું ન જણાવતા નવાઈ લાગી હતી.
કોલેજનો સ્ટાફ કોરોના સંક્રમણ ફેલાવવાની રાહ જોઈ રહ્યો હતો?
આ અંગે મળતી માહિતી મુજબ, હળવદની ડી. વી. રાવલ કોલેજમાં વિદ્યાર્થીઓ એક જ રૂમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. અને તેના વચ્ચે સામાજિક અંતરનો અભાવ જોવા મળ્યો હતો. આથી અનેક સવાલો ઊભા થયા હતા અને આ જ રૂમમાંથી કોરોનાનું સંક્રમણ ફેલાય તે માટે જવાબદાર કોણ? તે એક મોટો સવાલ ઉભો થયો હતો તો સરકારના નિયમોના ઉલાળિયો થયા બાદ ETVBharatની ટીમે કોલેજના પ્રિન્સિપાલ ડો. જે એન. માલાસણાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, બીએની પરીક્ષાના ફોર્મ ભરવા 120થી વધુ વિદ્યાર્થીને બોલાવવામાં આવ્યા હતા. જેઓને અલગ-અલગ ત્રણ ગ્રુપમાં સેનિટાઈઝ કરી, માસ્ક પહેરીને કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ફોર્મ ભરવામાં મુશ્કેલી પડતી હોવાથી તેઓને રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. જ્યાં વિદ્યાર્થીઓએ નિયમોનો ભંગ કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું ન હતું. પ્રોફેસર દ્વારા મને જાણ કરાતા તાત્કાલિક તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા.
શું શિક્ષકોની ફરજ નથી વિધાર્થીઓને નિયમોનું પાલન કરાવવાનું ?
પરંતુ સવાલો એ ઉભા થયા કે, સાહેબ તમારી કોલેજમાં વિદ્યાર્થીઓની ભૂલ થાય તો નિયમો વિશે તમારે જ્ઞાન આપવાનું હોય છે પણ પ્રોફેસરો માત્ર જોતા રહ્યા અને સોસીયલ ડિસ્ટન્સનો ભંગ થતો રહ્યો તેમ જ આ વર્ગ ખંડમાં હાજર વિદ્યાર્થીઓમાંથી અનેક વિદ્યાર્થીઓ માસ્ક વિના નજરે પડે છે તો આ જ વિદ્યાર્થીઓમાંથી કોરોનાનું સંક્રમણ ફેલાય તો જવાબદાર કોણ?