શહેર વજેપર સર્વે નંબરમાં આવેલા આલાપ રોડ પરના પોરાણિક વરસાદી પાણીના નિકાલના વોકળાને રાજકીય ઓથ હેઠળ બુરી દેવામાં આવેલા છે. જેથી જળ હોનારત જેવી પરિસ્થિતિ ઉભી થઇ શકે તેમ છે. કારણ કે, વરસાદી પાણી અને વિસ્તારના ગંદા પાણીના નિકાલ માટે રજવાડા સમયથી 50 ફૂટ પહોળો અને 7 ફૂટ ઊંડો વોકળો રાજકીય ઓથ હેઠળ બીજાના લાભ ખાતર સંપૂર્ણ બુરી દેવાયો છે.
જે કાયદાની રીતે ખરેખર ગુનાહિત પ્રવૃત્તિ ગણાય જેના કારણે ગત ચોમાસામાં રહેવાસીઓના ઘરોમાં 2 થી 5 ફૂટ પાણી ભરાયા હતા. છતાં મોરબી પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. તેમ આમ આદમી પાર્ટી મોરબીના શહેર પ્રમુખે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું.
બિલ્ડીંગ વેસ્ટ મટીરીયલ્સ નાખી ભારત સરકારના કાયદાનો ભંગ કર્યો છે. વિસ્તારના મુખ્ય રસ્તા પર ગેરકાયદેસર બાંધકામ કરી દબાણો કર્યા છે. જે અંગે આલાપ સોસાયટીના રહીશોએ પાલિકાને અનેક રજૂઆત કરી છે. છતાં પાલિકાએ કોઈ કાર્યવાહી કરી નથી. આગામી ચોમાસામાં અહીં જળ હોનારત જેવી સ્થિતિ સર્જાય તેમ હોવાથી દબાણો તાત્કાલિક દુર કરવા માગ કરી હતી. અન્યથા તારીખ 20થી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવુ પણ જણાવ્યું છે.