મોરબી: જિલ્લાના તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ પાંચોટિયા ભાજપમાં જોડાયા હતા, જેથી કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં પ્રમુખને પદ પરથી હટાવવા 16 કોંગ્રેસી સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી.જેના પગલે મંગળવારે તાલુકા પંચાયતમાં ખાસ સામાન્ય સભા મળી હતી.
તાલુકા પંચાયતની 26 બેઠકો ઠે, જેમાં કોંગ્રેસ પાસે 21 બેઠકો હતી. જોકે પ્રમુખ ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ પાસે 20 બેઠકોનું સંખ્યાબળ હવે છે, જયારે ભાજપ પાસે 5 સીટ પૈકી એક સભ્ય સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેથી ભાજપ પાસે માત્ર ચાર સભ્યોનું સંખ્યાબળ છે.
મગંળવારે સામાન્ય સભામાં કોંગ્રેસના 18 અને ભાજપના 2 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેથી કોંગ્રેસે બહુમતીના જોરે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરાવી હતી. કોંગ્રેસના તમામ 18 સભ્યોએ સમર્થનના મત આપીને અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરાવી હતી.જે બાદ હંસરાજભાઈ પાંચોટિયાએ પ્રમુખ પદ ગુમાવ્યું છે અને હવે પ્રમુખની ચૂંટણી નવેસરથી કરવામાં આવશે.