નવસારી : નવસારીમાં અનેકવાર જર્જરિત મકાન તૂટી પડવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે નવસારી શહેરમાં આવેલા 45 વર્ષ જૂના લોખંડવાલા કોમ્પલેક્ષની જર્જરિત ઇમારતના એક ફ્લેટનો ગેલેરી એકાએક તૂટી પડવાનો બનાવ સામે આવ્યો છે. આ સમયે ગેલેરીમાં ઊભેલી 40 વર્ષીય રઈશાબાનું નામની મહિલા નીચે પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન મહિલાનું મોત થયું છે.
રહેણાંક ફ્લેટની ગેલેરી ધરાશાયી : આ બનાવ અંગે કોમ્પલેક્ષમાં રહેતા મોહમ્મદ આલીમ જણાવે છે કે, રાત્રે મહિલા ગેલેરીમાં ઉભી હતી અને તે ગેલેરી એકાએક નીચે તૂટી પડતા મહિલા નીચે પટકાઇ હતી. જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું છે. અમને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. પરંતુ અમે ક્યાં રહીએ તેનો પ્રશ્ન છે. પાલિકા જો રહેઠાણની વ્યવસ્થા કરે તો અમે આ સ્થળ ખાલી કરવા અંગે વિચારીશું.
એક મહિલાનું મોત : ચોમાસામાં ફૂંકાતા પવન અને મુશળધાર વરસાદથી થતી આકસ્મિક ઘટનાથી જાનહાનિ અને નુકસાની થતી હોય છે. જેને અટકાવવા માટે પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત આવી ઇમારતોને આઈડેન્ટિફાઈ કરી નોટિસ ફટકારવામાં આવે છે. પરંતુ એ નોટિસ ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે હાલ નવસારી શહેરમાં આવેલા 45 વર્ષ જૂની ઇમારતમાં એક ફ્લેટનો ગેલેરીનો ભાગ તૂટી પડતા એક મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
તંત્રની કામગીરી : નવસારી શહેરમાં અગાઉ પણ જર્જરિત ઇમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. પરંતુ ભૂતકાળમાં બનેલી ઘટનાઓ પરથી બોધપાઠ ન લેતા શાસકો માત્ર નોટિસ ફટકારી સંતોષ માની રહ્યા છે. ત્યારે આવી ઇમારતો સ્થાનિકો માટે જોખમી સાબિત થઈ શકે છે જેનું તાજું જ ઉદાહરણ હાલ સામે આવ્યું છે. જેના પરથી નગરપાલિકાએ હવે આવી ઈમારતોને માત્ર નોટિસ ફટકારી સંતોષ માનવો જોઈએ કે કોઈ નક્કર કામગીરી કરવી જોઈએ, એ દિશામાં વિચારવાનો સમય પાકી ગયો છે.
જીવના જોખમે રહેતા લોકો : સમગ્ર ઘટનાને લઈને હાલ તો પાલિકાએ લોખંડવાલા કોમ્પલેક્ષ ખાલી કરવા અંગે લેખિતમાં નોટિસ આપી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો અહીં રહેવું હોય તો પોતાના રિસ્ક પર રહેવું, પરંતુ લોકો ત્યાં વસવાટ કરે કે નહીં તેની અવઢવમાં મુકાયા છે. લોખંડવાલા કોમ્પલેક્ષની આ ઇમારતને વારંવાર નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ સ્થાનિકોની બેદરકારીના કારણે ઇમારતની મરમ્મત ન કરવાના કારણે મોટી હોનારત બની હોવાનું તંત્રનું માનવું છે.
શું છે લોકમાંગ ? ગુજરાતભરમાં નવસારી જિલ્લો બાગાયતી વિસ્તાર તરીકે જાણીતો છે. પરંતુ હાલ નવસારી શહેરમાં દિવસને દિવસે અનેક ઇમારતના નિર્માણ થવાના કારણે હાલ શહેર કોન્ક્રીટનું જંગલ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં અનેક ઇમારતો જર્જરિત થઈ હોવા છતાં લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે. જેમને પાલિકાએ માત્ર નોટિસ આપી પોતાનું કામ કરી લીધું હોય તેમ પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. જર્જરીત ઇમારતોને પાલિકા દર વર્ષે નોટિસ આપીને જ સંતોષ માની લે છે, આવી જોખમી ઇમારતોના માલિકો સામે નક્કર પગલાં ભરતી નથી, જોખમી ઇમારતો રાહદારીઓ અને સ્થાનિકો માટે જોખમરૂપ સાબિત થઈ શકે એમ છે. ત્યારે પાલિકા તંત્ર આવા મિલકતધારકો ઉપર કાર્યવાહી કરે એવી માંગ શહેરમાં ઉઠી છે.