મોરબી : જિલ્લાના ટંકારાના ઓટાળા ગામે લોકડાઉન વચ્ચે શ્રમિક દંપતીની હત્યા કરવામાં આવી હતી. આ મામલે ટંકારા પોલીસે સઘન તપાસ કરતા મૃતક સાથે વાડીમાં અન્ય કામ કરતા તેના પરિચિત ત્રણ શખ્સોની શંકાસ્પદ ભૂમિકા બહાર આવતા વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસને શ્રમિક દંપતીની આડા સબંધ મામલે હત્યા થયાનો ખુલાસો થયો હતો. જેમાં આ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીમમાં આવેલી વાડીએ રહીને ખેતમજૂરી કરતા શ્રમિક દંપતી કારીબેન દસરથભાઇ આદિવાસી અને તેના પતિ દસરથભાઇ કાલીયાભાઇ આદિવાસીની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા ટંકારા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જેમાં વાડી માલિક દિલીપભાઇ છગનભાઇ દેસાઇએ કોઇ અજાણ્યા માણસો જેમાં શકદારો તરીકે પાતલીયા માવી તથા વેસ્તીબેન તથા તેના છોકરા રવિ તથા સુમેર સામે દંપતીની હત્યા કર્યાની શંકાના આધારે ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે પોલીસે ત્રણેયની તપાસ કરતા તેમણે જ શ્રમિક દંપતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓમાં વેસ્તીબેન મૃતક દસરથભાઇના સગા બહેન થાય છે. બાકીના બે આરોપીઓ મૃતકને બનેવી થાય છે.
જેમાં મૃતક કારીબેનને તેના પતિ દશરથના બે ભાણેજો સાથે આડા સબંધ હતા આથી આ વાતની મૃતક દશરથને જાણ થતાં ઝઘડો થયો હતો. જે વાતનો વેર રાખીને મૃતક દશરથના બે બનેવી પાતલિયાભાઈ ઉર્ફે રમેશભાઈ ઘનભાઈ માવી, ગાજરીયાભાઈ ઉર્ફે પ્રકાશભાઈ જામસિંગ માવી અને સગીબેન વેસ્તીબેન પાતલિયાભાઈ માવીએ કુહાડી તથા સિમેન્ટના બેલના ઘા ઝીકીને દશરથ અને તેની પત્નીની હત્યા કર્યાની કબૂલાત આપતા આ ત્રણેય આરોપીની પોલીસે ધરપકડ કરી છે.