મોરબી: શહેરના વાવડી રોડ પરની સોમૈયા સોસાયટી રેવા પાર્કમાં રહેતી 60 વર્ષની વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વૃદ્ધા ગત 18 મેના રોજ મુંબઈથી મોરબી આવી હતી. તેને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવી હતી.
આ વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ પાલિકાની આ વિસ્તારમાં ટીમ પહોંચી હતી. આ વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત આ વિસ્તારને કેંટનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 2 ફ્લેટ અને 10 મકાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 123 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે તો આરોગ્ય વિભાગની 10 ટીમો રહીશોનું સર્વેક્ષણ કરશે.
કોરોના પોઝીટીવ દર્દી મહિલા અને તેના પતિ એમ 2 વ્યક્તિ ઘરે રહેતા હોવાની માહિતી મળી હતી. જેમાં વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી છે.