મોરબી : જિલ્લાના રવાપર ગામે રહેતા ૪૭ વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાકીદના પગલા ભરવામાં આવી રહ્યા છે. જેમાં કોરોના પોઝિટિવ દર્દી જે વિસ્તારમાં રહે છે. તેવા શુભ પેલેસ એપાર્ટમેન્ટને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો અને તે વિસ્તારના 29 ઘરના કુલ 80 લોકોની વસ્તીને કન્ટેનમેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત રામસેતુ સોસાયટી, ઉમિયા સોસાયટી અને નીતિન પાર્ક સોસાયટીનો બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ ત્રણ સોસાયટીના 401 ઘરની 1400ની વસ્તીનો બફર ઝોનમાં સમાવેશ થયો છે. તો પોઝિટિવ દર્દી સરદાર બાગ નજીકની એસબીઆઈ બેંકમાં ફરજ બજાવતા હોવાથી બેન્ક અંદર અને બહારના વિસ્તારમાં પણ પાલિકા તંત્રએ સેનેટાઈઝ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત હળવદમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ દર્દીના ઘાંચીવાડ વિસ્તારના 9 ઘરના 40 લોકોની વસ્તીને કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે. જ્યારે વિસ્તાર આસપાસ આવેલા લુહાર શેરી, પોદાર શેરી, ખોજાવાડ, પીઠડ માતાજી મંદિર વાળી શેરી, સાંકડી શેરી, લક્ષ્મી નારાયણ ચોક, મામાનો ચોરો, દવે ફળી અને શાક માર્કેટ સામેની શેરીના કુલ 211 ઘરની 885 વસ્તીને બફર ઝોન જાહેર કરાઈ છે.