મોરબીઃ મુદત હોવાથી 2 યુવાનો હળવદ કોર્ટમાં આવ્યા હતા. આ યુવાનો પર જીવલેણ હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેમાં પહેલા આ યુવાનોના બાઈકને કારથી ટક્કર મારવામાં આવી અને ત્યારબાદ તેમના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દેવાયો. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. 2 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાક્રમઃ દેવળીયા ગામના 2 યુવાનોની મુદત હોઈ તેઓ હળવદ કોર્ટમાં આવ્યા હતા. મુદતની કાયદાકીય કાર્યવાહી પતાવીને આ બંને યુવકો કોર્ટ પરિસરની બહાર નીકળ્યા ત્યારે તેમના પર જીવલેણ હુમલો કરી દેવામાં આવ્યો. જેમાં પહેલા તેમના બાઈકને કારથી જોરદાર ટક્કર મારવામાં આવી. કારથી આ બંને યુવકોને કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે આ અકસ્માતમાં દેવળીયાના બંને યુવાનો બચી ગયા હતા. તેથી તેમના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દેવાયો. તીક્ષ્ણ હથિયારથી ઘાયલ થયેલા યુવાનો જીવ બચાવવા કોર્ટ પરિસરમાં ઘુસી ગયા હતા. જો કે પોલીસને બનાવની સમયસર જાણ થતા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી. હુમલાખોરો કાર મુકીને નાસી ગયા હતા. પોલીસે ઘટના સ્થળે કાયદાકીય કાર્યવાહી કરીને બંને ઘાયલ યુવાનોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા.
દેવળીયાના બંને યુવાનો પર કોણે અને કયા કારણસર જીવલેણ હુમલો કર્યો તે જાણવા મળ્યું નથી. હુમલાખોરો કાર મુકીને નાસી ગયા છે. પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડીને હુમલાખોરોને પકડવાની દિશામાં કામગીરી હાથ ધરી છે...દીપક ઢોલ(ઈન્ચાર્જ પી.આઈ., હળવદ પોલીસ, મોરબી)