મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ભારે વરસાદ અને છેલ્લે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકો નિષ્ફળ ગયા છે અને સરકારે પાક નિષ્ફળ ગયા હોય તેવા ખેડૂતોને અરજી કરવાનું કહેતા મોરબી જિલ્લામાં ૪૭૮૮ ખેડૂતોએ પાક નુકસાનીની અરજી કરી છે. મોરબી જિલ્લામાં મુખ્યત્વે કપાસ, મગફળી, તલ, એરંડા, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરાયું હતું, જેમાં કપાસ અંગે મગફળીનો પાક મુખ્ય હોય અને સૌથી વધુ નુકશાની પણ આ બે પાકોને જોવા મળી છે. ચાલુ વર્ષે જિલ્લામાં સરેરાશ ૧૮૯ ટકા જેટલો વરસાદ વરસ્યો છે, જે દર વર્ષની સરખામણીએ લગભગ બમણો વરસાદ થયો છે અને જરૂરિયાત કરતા ડબલ વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે, ત્યારે મોરબીના ખેડૂતોની દુર્દશા જાણવા માટે તેમના ખેતરમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચતા નુકશાનીનો અંદાજ આવ્યો હતો અને નિષ્ફળ ગયેલા પાક સાથે ખેડૂતોએ સેવેલા સ્વપ્નો પણ પાણીના પ્રવાહ સાથે તણાઈ ચુક્યા છે.
મોરબીના ઘૂટું ગામના આવા જ એક ખેડૂતની લાચાર સ્થિતિ જોવા મળી રહી છે. જે ખેડૂતે પોતાના ૨૦ વીઘા જમીનમાં મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું, જોકે ભારે વરસાદ અને પવન તેમજ કમોસમી માવઠાએ મગફળીને નુકશાન કર્યું તો પવન અને વરસાદથી કપાસના ફૂલફાલ ખેરવી નાખ્યા હતાં, ખેડૂતના પરિવારમાં માજીનો દાડાનો પ્રસંગ હોવાથી ઉધારમાં બધું ચલાવ્યું હતું અને પાક ઉતરે બાદમાં ઉધારી મુક્ત થવાનું વિચાર્યું હતું સાથે જ સારું વર્ષ જાય તો દીકરા-દીકરીના લગ્ન પણ ચાલુ વર્ષે પાર પાડવાના સોનેરી સ્વપ્નો જોયા હતાં. પરંતુ, કુદરતને બીજું જ કઈક મંજુર હતું અને ખેતરમાં ઉભા કપાસ અને મગફળીના પાકો જોત જોતામાં તો હતા ના હતા થઇ ગયા અને ખેડૂતે સારા વર્ષની આશામાં કરેલું પ્લાનિંગ તો સાઈડ પર રહી ગયું હવે રવિપાકના વાવેતરના પૈસા નથી તો કુટુંબનું ગુજરાન આખું વર્ષ ચલાવવાની મૂંઝવણ પણ તેમને સતાવી રહી છે.
ખેડૂતો પાયમાલ થયા છે અને હવે છેલ્લી આશા તેને સરકાર પ્રત્યે સેવાઈ રહી છે, બીજી તરફ મુખ્ય પ્રધાન પણ મોરબીના મંચ પરથી ખેડૂતોને સહાય ચૂકવવાનું એલાન કરી ચુક્યા છે અને આશ્વાસન આપ્યું છે. પરંતુ, નક્કર હકીકતો કઈક બીજી જ છે. મોરબી જિલ્લાના ખેતીવાડી વિભાગમાં તપાસ કરતા માલૂમ પડ્યું કે જિલ્લામાં કુલ ૪૭૮૮ ખેડૂતોએ નુકશાની માટેની અરજી કરી છે અને સર્વે ચાલુ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. પરંતુ, સર્વે કયા પહોંચ્યો તે તપાસ કરતા હજુ માત્ર ૬૭૫ અરજીનો સર્વે કરાયો અને બાકીનો સર્વે ઝડપથી પૂર્ણ થશે તેવું અધિકારી જણાવી રહ્યા છે. પરંતુ, હકીકત એ છે કે હજુ માત્ર ૧૪ ટકા જ સર્વે પૂર્ણ થયો છે. તો બાકીનો સર્વે ક્યારે પૂર્ણ થશે અને ત્યાં સુધી ખેડૂતો રહ્યો સહ્યો પાક ઉતાર્યા વગર જ બેસી રહે કે શું ? તેવા સવાલો પણ ખેડૂતોને મુંઝવી રહ્યા છે
આમ, ખેડૂતોને નુકશાનીનું વળતર ક્યારે મળશે અને મળશે કે નહિ તે પણ નક્કી નથી, તો બીજી તરફ રવિપાક સીઝનની તૈયારી શરુ કરવાનો સમય પાકી ચુક્યો છે. પરંતુ, ખેડૂતો પાસે ખાતર, દવા કે બિયારણ માટે પૈસા જ નથી તો વાવેતર ક્યાંથી કરે જેથી ખરીફ પાક સીઝનની જેમ મોરબી જિલ્લાના ખેડૂતોની રવિપાક સીઝન પણ ફેલ જશે અને ખેડૂતોની પાયમાલીમાં વધારો કરશે તેવા એંધાણ હાલ તો વર્તાઈ રહયા છે. સરકાર સહાય આપવાની વાત કરે છે. પરંતુ, ટોલ ફ્રી નંબરની ફરિયાદોનું નિવારણ કરવામાં ગંભીરતા જણાઈ નથી તેવી જ રીતે સર્વે કામગીરી ધીમી ચાલે છે. જે મામલે સરકાર અને તંત્ર જાડી ચામડી ધારણ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.