- કારોબારી સમિતિની બેઠકમાં સરકાર વિરુદ્ધ ઠરાવો રજૂ કર્યા
- કારોબારી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા
- રાજ્યમાં દરેક જિલ્લા સ્તરે આંદોલન કરવાનું એલાન કરાયું
મોરબી : આજે રવિવારે જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કારોબારી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી સમિતિની બેઠકમાં સરકાર વિરુદ્ધ ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા.
દોઢ વર્ષના કપરા કાળમાં અનેક લોકોએ સ્વજનોને ગુમાવ્યા
કારોબારી બેઠક અંગે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મંદી, મોંઘવારી અને મહામારીથી પ્રજા ત્રસ્ત છે. સરકારના ઉદાસીન વહીવટ અને ગંભીર બેદરકારીનો ભોગ આમ પ્રજા બની છે. દોઢ વર્ષના કપરા કાળમાં અનેક લોકોએ સ્વજનોને ગુમાવ્યા છે. લાખો લોકોના મોત થયા છે, હોસ્પિટલમાં લાખોની લૂંટ ચલાવાઈ છે.
ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડો તેવા સવાલો લોકો પૂછી રહ્યા
સરકાર ત્યારે મુક પ્રેક્ષક બની જોઈ રહી છે. જે અંગે કોંગ્રેસ સમિતિએ ઠરાવો રજૂ કર્યા છે. મોરબીના ઉદ્યોગના વિકાસ સાથે ગુન્હાખોરી વધી રહી છે. દરેક રસ્તા પર ખાડા છે, ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડો તેવા સવાલો લોકો પૂછી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.
માસ્ક અને સોશિયલ ડીસ્ટસિંગનો ભંગ થયો
ખેડૂતોને સિંચાઈનું પાણી, કૃષિ જણસોના પૂરતા ભાવનો પ્રશ્ન છે. પેટ્રોલ અને ડીઝલના ભાવો 100ને આંબી ગયા છે. જેથી મોંઘવારીને લઈને તારીખ 01થી સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા સ્તરે આંદોલન કરવાનું એલાન કરાયું છે. જોકે, કોંગ્રેસની કારોબારી બેઠકમાં કોંગ્રેસ આગેવાનો માસ્ક વિના જોવા મળ્યા હતા. તો કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના પણ લીરેલીરા ઉડાવ્યા હતા.