- મોરબીમાં નવી શિક્ષણ નીતિના વિરોધમાં આપવમાં આવ્યું આવેદન
- આંગણવાડીની વર્કર અને હેલ્પર બહેનોએ આપ્યું આવેદન
- નવી શિક્ષણ નીતિમાં યોજના અંગે સ્પષ્ટતા ન હોવાની કરવામાં આવી રજૂઆત
મોરબીઃ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી શિક્ષણ નીતિની રાજ્યમાં અમલ કરવાની જાહેરાત થતા નવી શિક્ષણ નીતિથી આઈસીડીએસ આંગણવાડી વર્કર અને હેલ્પરને શું અસરો થશે તે અંગે આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
નવી શિક્ષણ નીતિ મામલે આપવમાં આવ્યું આવેદન
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે આંગણવાડી અને આઈસીડીએસ બાબત નવી શિક્ષણ નીતિના અમલ કરતા પહેલા સૌથી મહત્વના અંગ એવા આંગણવાડી વર્કર-હેલ્પર અને તેના યુનિયનો સાથે બેઠક યોજવામાં આવે અને સૂચનો લેવામાં આવે. નવી શિક્ષણ નીતિના દસ્તાવેજમાં ૩ થી ૬ વર્ષના બાળકોના શિક્ષણની જોગવાઈઓ બાબતે આંગણવાડી વર્કર અને હેલ્પરો તથા સમગ્ર સ્ટાફના માળખામાં અનેક પ્રશ્નો ઉભા થાય તેમ હોય જેથી સ્પષ્ટતા તાત્કાલિક અસરથી કરવી જરૂરી છે. નવી શિક્ષણ નીતિનો અમલ ગુજરાતમાં ક્યાં શૈક્ષણિક વર્ષથી કરાશે તે જાણકારી આપવામાં આવે.
નવી શિક્ષણનીતિમાં આઈસીડીએસની યોજના અંગે કોઈ સ્પષ્ટતા નહીં
આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રમાં ૦ થી ૩ વર્ષના બાળકો, ગર્ભવતી માતાઓ અને કિશોરીઓની કાળજી રાખવાનું કામ કરાય છે. કુપોષિત બાળકોને પુરક પોષણ આપવામાં આવે છે તે અંગે શું આયોજન કરાયું છે તે નવી શિક્ષણ નીતિમાં આઈસીડીએસ યોજના વિશે કોઈ ઉલ્લેખ નથી. યોજના ચાલુ રહેશે કે કેમ તેની સ્પષ્ટતા જરૂરી છે. નવી શિક્ષણ નીતિમાં આંગણવાડી કેન્દ્રોનું શું કરાશે, પ્રી સ્કૂલ અને બાલવાટિકા ક્યાં ચલાવાશે તેની સ્પષ્ટતા પણ જરૂરી છે. ગુજરાતની ૧ લાખ આંગણવાડી વર્કર-હેલ્પરના ભવિષ્ય બાબતે ગંભીર ચિંતા ઉભી થઇ છે.