મોરબીના આલાપ રોડ પરના પટેલનગરના રહેવાસી કાંજીયા નરશીભાઈ મોહનભાઈએ જિલ્લા કલેકટર, પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું કે, ગત વર્ષે રવાપર રોડથી વજેપર તેમજ લીલાપર રોડથી સ્મશાન સુધી રોડનું કામ મંજૂર થયેલું છે. તે રોડ આલાપ સોસાયટી સુધી જ કરવામાં આવેલો છે, ત્યાર પછી તેનું આગળ કામ કરવામાં આવ્યું નથી.
આ રોડ પૂર્ણ કરવામાં આવે તથા પટેલ નગર અને ખોડીયાર સોસાયટી એક વંડામાં આવેલ છે. તેમાં ઘણા વર્ષો પહેલા રોડ થયો હતો. જે હવે તૂટી ગયો છે, તેથી સોસાયટીમાં નવો રોડ કરવાની જરૂર છે. કારણ કે રોડની આજુબાજુમાં ઘણા ખાડા પડી ગયા છે. જેથી તાત્કાલિક ધોરણે તે રોડ બનાવવામાં આવે અને આસપાસ રહેલા બાવળના ઝાળા દૂર કરવામાં આવે તેવી માંગ મુકી છે અને રસ્તામાં જે ખોટી રીતે બમ્પ મૂકવામાં આવ્યા છે, તેને દૂર કરવામાં આવે.
સ્થાનિકોએ રજૂઆત કરી કે, આલાપ સોસાયટીના રોડની બાજુમાં રસ્તો પહોળો છે. સોસાયટીના રહીશોના સહકારથી વૃક્ષોનું વાવેતર થઈ શકે તેમ છે. તેમજ સાર્વજનિક પ્લોટ સાવ ખરાબ હાલતમાં હોવાથી તેને પણ શુદ્ધ કરી શકાય તેમ છે. જેથી તાત્કાલિક ધોરણે તેમાં પણ કાર્યવાહી કરવામાં આવે. સોસાયટી થઈ ત્યારે વસ્તી ઓછી હતી અને ત્યારે પાણીની લાઈન નાખવામાં આવી હતી. આજે ઘણી બધી વસ્તી વધી ગઈ છે અને છેવાડાના પ્લેટને પાણી મળતું નથી. જેથી નર્મદાની પાઇપ લાઇન નાખવામાં આવે. જેથી પાણીની સમસ્યાથી છૂટકારો મળે.
પાણીની લોખંડની નવી લાઈન નાખેલ છે, પણ બંને સોસાયટી વચ્ચે જોઈન્ટ કરવાનું કામ બાકી છે તે પૂરું કરવામાં આવે. સોસાયટીમાં લાઇટની વ્યવસ્થા અને થાંભલાની વ્યવસ્થા છે, પરંતુ તેમાં 24 કલાક લાઈટ ચાલુ રહે છે. જેથી થાંભલામાં સ્વીચ મૂકવામાં આવે તો ચાલુ બંધ કરી શકાય અને પાવર ન બગડે તેવી રજૂઆત કરી છે.