કચ્છઃ કચ્છ યુનિવર્સિટી ખાતે ગુજરાત ઇકોનોમિક એસોસિએશન દ્વારા 21 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇન્ડિયન ઇકોનોમિક્સ એન્ડ એલાઇડ સાયન્સ એસોસિએશન આગ્રા તથા ગ્લોબલ ઈકોનોમિસ્ટ ફોરમ - ઇન્ડિયા ચેપ્ટર પણ જોડાશે. તો આ કોન્ફરન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇકોનોમિક્સ, કચ્છ: ઇકોનોમી અને ટુરિઝમ, 2047 ના વિકસિત ભારત તરફના પ્રયાણમાં ઇકોનોમિક ગ્રોથ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ડેવલપમેન્ટ ઇસ્યૂ જેવા વિષયો આવરી લેવામાં આવશે.
કચ્છ યુનિવર્સિટી 21 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન
કચ્છના ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી 21 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવા જઈ રહી છે. પ્રથમ વખત કચ્છની અંદર અર્થશાસ્ત્રની આંતરરાષ્ટ્રીય પરિષદનું ભુજમાં મુક્તજીવન સ્વામીબાપા મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં અતિથિ વિશેષ તરીકે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, અટલ બિહારી વાજપેઈ યુનિવર્સિટી બીલાસપુરના કુલપતિ પ્રો. અરુણ દીવાકરનાથ બાજપેઈ, ગુજરાત અર્થશાસ્ત્ર મંડળના પ્રેસિડેન્ટ ડૉ. શ્રીકાંત કલમકર, ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ કોલકત્તાના ડાયરેક્ટર ડૉ. ડી. આર. અગ્રવાલ, આઈશાના સેક્રેટરી ડૉ. આલોકકુમાર અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ તથા મુક્તજીવન સ્વામી બાપા મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજના ટ્રસ્ટી કિર્તીભાઈ વરસાણી ઉપસ્થિત રહેશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશન્સ એન્ડ ઈમ્પલીકેશન ઇન ધ ઇકોનોમી
ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદમાં પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના પ્રોફેસર ક્રીશ્તોફર સ્કૉટ, શ્રીલંકા યુનિવર્સિટીના પ્રોફેસર રોહાના હાલીયાનાર્ચેથી, રિઓન્દ યુનિવર્સિટીના ડૉ. નીગેલ જેમ્સ પણ જોડાશે. આ આંતરરાષ્ટ્રીય પરિષદની થીમની વાત કરવામાં આવે તો 3 થીમો રહેશે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશન્સ એન્ડ ઈમ્પલીકેશન ઇન ધ ઇકોનોમી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ઇકોનોમિક ગ્રોથ પાથ ટુવર્ડ્સ ટુ આત્મનિર્ભર ભારત 2047 તથા કચ્છ ઇકોનોમી અને ટુરિઝમ. સમગ્ર ભારતમાંથી 650 જેટલા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ આ પરિષદમાં ભાગ લેશે અને તેમના સંશોધન પત્રો રજૂ કરશે.
અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પોતાના સંશોધન પત્રો સાથે આવી પોતાના શૈક્ષણિક કાર્યને કરશે પ્રકાશિત
આ આંતરરાષ્ટ્રીય પરિષદ ગુજરાત અર્થશાસ્ત્ર મંડળની 53મી પરિષદ છે. કચ્છ યુનિવર્સિટી જ્યારે આ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરી રહી છે ત્યારે જે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. તેમના સંશોધન પત્રો તથા તેમનું શૈક્ષણિક કાર્ય પણ અહીં પ્રકાશિત કરવામાં આવશે. આ આંતરરાષ્ટ્રીય પરિષદ માટે કુલ સચિવ ડૉ. અનિલ ગોર, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉ. કલ્પના સતીજા તથા અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
જ્ઞાનને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે પરિષદ
આ પરિષદનો મુખ્ય હેતુ અર્થશાસ્ત્રના અને સામાજિક વિજ્ઞાનના ક્ષેત્ર અને તેની સાથે સંકળાયેલા દરેક વ્યક્તિના જ્ઞાનને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો છે. આ પરિષદથી વિવિધ કૌશલ્યો અને પૃષ્ઠભૂમિ ધરાવતા સહભાગીઓને તક મળશે. આ સમુદાયની વિશાળતાને કારણે આ પરિષદ જ્ઞાનના આદાન-પ્રદાન માટેનું કારણ બનશે. તે વિદ્યાર્થીઓ, સંશોધકો, વિદ્વાનો, નીતિ-નિર્માતાઓ અને શિક્ષણવિદોને નવી સમજ અને પ્રેરણા મેળવવામાં મદદ કરશે. પરિષદ દ્વારા સહભાગીઓને બૌદ્ધિક વિકાસ અને સમસ્યાનું નિરાકરણ કૌશલ્ય વધારવામાં પણ મદદરૂપ બનશે.