જૂનાગઢ: જિલ્લાની ડિમ્પલ વિરાણી આગામી મે મહિનામાં અપનાવશે સંયમનો માર્ગ. સંસારના તમામ સુખ સુવિધા અને સંસાધનોનો ત્યાગ કરીને ઇવેન્ટ મેનેજર તરીકે ખૂબ સારી આર્થિક કમાણી કરનાર ડિમ્પલ વિરાણી સંયમના માર્ગે જઈ રહી છે. તેનું આ પગલું પરિવારના સદસ્યો અને સમગ્ર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા બિરદાવવામાં આવી રહ્યું છે.
જૂનાગઢની ડિમ્પલ વિરાણી અપનાવશે સંયમનો માર્ગ: સ્થાનકવાસી જૈન સંઘની ડિમ્પલ વિરાણી સંસારના તમામ સુખ સાહીબી અને સંસાધનોનો ત્યાગ કરીને આગામી સાતમી મેના રોજ સંયમના માર્ગે જઈ રહી છે. 33 વર્ષની મેનેજમેન્ટ અભ્યાસ કરેલ અને હાલ મુંબઈ રહેતી ડિમ્પલ વિરાણીના સંયમના માર્ગ પર ચાલવાના નિર્ણયને સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવી રહ્યું છે. ખૂબ નાની વયે લાખો રૂપિયા કમાતી ડિમ્પલ વિરાણીએ ગુરુ ભગવંત રાજેશ મુનિ મ.સ.ના હસ્તે જૈન ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને સંયમ પંથે જશે.
જલારામ સોસાયટીના ઉપાશ્રયમાં વર્ષ 2019 માં મ.સ. રાજેશ મુનિથી ખૂબ જ પ્રભાવિત થઈને તેમણે દીક્ષા ગ્રહણ કરીને સંયમના માર્ગે ચાલવાનો નિશ્ચય કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ મેનેજર તરીકે કારકિર્દી: મુંબઈમાં પરિવાર સાથે રહેતી ડિમ્પલ વિરાણીએ બિઝનેસ મેનેજમેન્ટમાં માર્કેટિંગ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. હાલ તે ભારતની સર્વ શ્રેષ્ઠ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં વાર્ષિક 18 લાખના પગારની સાથે અન્ય ઇનસેન્ટિવ મેળવીને દર વર્ષે 25 લાખ રૂપિયાની પગારથી કામ કરી રહી હતી. ડિમ્પલે ઇવેન્ટ મેનેજર તરીકે વિશ્વના 11 દેશોનો પ્રવાસ કરીને પણ અન્ય દેશોમાં સફળતાપૂર્વક ઇવેન્ટ મેનેજમેન્ટ કર્યું છે.

આ સિવાય ડિમ્પલ વિરાણીએ ભારતના અલગ અલગ રાજ્યમાં પણ તેમની કંપની દ્વારા ઇવેન્ટ મેનેજમેન્ટના કાર્યક્રમ કરીને કંપનીને ખૂબ સફળ બનાવી છે. ડિમ્પલ પોતે માને છે કે, મનુષ્યના ભવને સાર્થક કરવા માટે દીક્ષા લેવી ખૂબ જરૂરી છે. જીવનના 33 વર્ષ સુધી કામ કરીને જે કર્મનું બંધન થયું છે તેનાથી હવે નવા કર્મો બાંધવા નથી. પરંતુ દીક્ષા લઈને સંયમના પંથે ચાલીને જૂના કર્મને ખપાવવા માટે તે સંયમના માર્ગે જઈ રહી છે. ધર્મના સંસ્કારો કોઈપણ વ્યક્તિ સાથે આવતા હોય છે જેથી તેણે સંયમના માર્ગે ચાલવાનું નક્કી કર્યું છે. દીક્ષા લીધા બાદ તે પોતે અને અન્યના આત્માનું કલ્યાણ થાય તે માટે પ્રભુ ભક્તિ કરવાની ઈચ્છા ધરાવે છે.
આ પણ વાંચો: