ભાવનગર: ભાવનગર રાજકોટ હાઇવે ઉપર એક ખાનગી બસ અચાનક સળગી ઉઠી હતી. બનાવને લઈને લોકોના ટોળા હાઇવે ઉપર એકત્રિત થયા હતા. બનાવ બાદ સોનગઢ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બનાવનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો છે. બસમાં આગ ધીરે ધીરે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે. બસમાં આગ લાગવાથી કોઈ જાનહાની થવા પામી નથી.
રાજકોટ હાઇવે પર બન્યો બનાવ બસ સળગવાનો
ભાવનગર જિલ્લાના સોનગઢ નજીક આવેલા બજૂડ ગામના પાટીયા પાસે સવારમાં ખાનગી બસમાં અચાનક આગ લાગી હતી. હાઇવે પર જતી બસમાં આગ લાગવાને કારણે બસ થોભાવી દેવાઈ અને જોત જોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્લીપર કોચ ભૂમિ લખેલી બસ જોત જોતામાં સળગીને ખાખ થઈ ગઈ હતી. બનાવ બાદ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી.
બસ ક્યાંથી ક્યાં જતી હતી અને કેટલા મુસાફર
સોનગઢ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.પી.ડી સોલંકીએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, નારી ગામથી ગોબા ગામ જાન જતી હતી. ત્યારે આ બનાવ બનવા પામ્યો છે. બજુડ ગામ નજીક આગ લાગવાને કારણે બસ ઉભી રાખીને આશરે 40 થી 42 મુસાફરો ઉતરી ગયા હતા. જેને લઇને હાલ તપાસ ચાલી રહી છે.

આગ લાગવાનું કારણ અકબંધ
ખાનગી ટ્રાવેલ્સમાં લાગેલી આગને પગલે પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. સોનગઢ પોલીસ ઘટના સ્થળે બનેલા બનાવને પગલે બસમાં આગ શા માટે લાગે તેને લઈને તપાસ કરી રહી છે. જો કે આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. બનાવમાં કોઈ જાનહાનીનો બનાવ પણ બનવા પામ્યો નથી.

આ પણ વાંચો: