નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમાર 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ત્રણ સભ્યોની પસંદગી સમિતિ આજે સોમવારે તેમના અનુગામીની પસંદગી માટે બેઠક કરી રહી છે.
રાજીવ કુમાર 65 વર્ષની વય પૂર્ણ કર્યા બાદ 18 ફેબ્રુઆરી મંગળવારના રોજ મુખ્ય ચૂંટણી કમીનશર પદ પરથી નિવૃત થશે. ત્યારે તેમના અનુગામીની પસંદગી કરવા માટે સમિતિની બેઠક બોલાવાઈ છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને વડાપ્રધાન દ્વારા નામાંકિત કેન્દ્રીય મંત્રી હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં કાયદા મંત્રી અર્જુન મેઘવાલ પણ હાજરી આપશે. મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર એક્ટ, 2023 હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનરની આ પહેલી નિમણૂક હશે, જે ડિસેમ્બર 2023માં અમલમાં આવી હતી.
આ જોગવાઈ હેઠળ માર્ચ 2024માં એસએસ સંધુ અને જ્ઞાનેશ કુમારને માર્ચ 2024માં ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અરુણ ગોયલના રાજીનામા અને અનૂપ ચંદ્ર પાંડેની નિવૃત્તિ પછી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે બંને કમિશનરની નિમણૂક કરવામાં આવી હતી.
CEC અને ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે નવી વૈધાનિક જોગવાઈઓની રજૂઆત પહેલાં, બાકી રહેલા બે ચૂંટણી કમિશનરોમાંથી સૌથી વરિષ્ઠને સામાન્ય રીતે આઉટગોઇંગ CEC સાથે પરામર્શ કર્યા પછી, ટોચના પદ પર બઢતી આપવામાં આવી હતી.
જો કે, સુધારેલી પસંદગી પ્રક્રિયા હેઠળ, હવે પસંદગી પેનલમાં બહુમતી અથવા સર્વસંમતિના આધારે નિમણૂકો કરવામાં આવે છે. નિમણૂક પ્રક્રિયા સાથે સંબંધિત ઘણી પીઆઈએલ, ખાસ કરીને, ભારતના મુખ્ય ન્યાયાધીશને પેનલમાં સામેલ ન કરવાનો નિર્ણય, અગાઉના ધોરણની જેમ, સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.
સર્વોચ્ચ અદાલતે આ અરજીઓ પર સુનાવણી 19 ફેબ્રુઆરીએ નિયત કરી છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે શું ત્રણ સભ્યોની પસંદગી પેનલ નવા સીઈસીની પસંદગી કરે છે કે, વર્તમાન ચૂંટણી કમિશનરમાંથી કોઈ એકને પદ પર બઢતી આપવાનો નિર્ણય લે છે. જો તેઓ પ્રથમ વિકલ્પ પસંદ કરે છે, તો નવા CEC 2029ની લોકસભાની ચૂંટણીઓ હાથ ધરશે કારણ કે કાર્યકાળ છ વર્ષનો છે.
નવા CEC આ વર્ષે યોજાનાર બિહાર વિધાનસભા ચૂંટણી 2026માં આસામ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની ચૂંટણી અને 2027માં ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીનું સંચાનલ કરશે.