મોરબી: શહેરના એક વિસ્તારમાં રેહતી બાળા સાથે વર્ષ 2014માં અશોક બાબુભાઇ પીપળીયા નામના શખ્સે શારીરિક અડપલાં કર્યા હતા. જેની બાળાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે જે તે સમયે આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ બનાવનો કેસ રાજકોટની કોર્ટમાં ચાલતો હતો, ત્યારે આ પોક્સો એક્ટનો કેસ રાજકોટથી મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો.
આ દરમિયાન સ્પેશિયલ પોક્સો એડિશનલ જજ એમ.કે. ઉપાધ્યાયની કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ સંજય દવેની ધારદાર દલીલો અને રજૂ કરાયેલા પુરવાને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીને આ કેસમાં દોષિત ઠેરવીને 7 વર્ષની કેદની સજા ફટકારી અને રૂ.20 હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ જો રકમ ભરપાઇ ન કરે તો વધુ એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી.