મોરબી: મોરબીની માળિયા મિયાણા બેઠક મહત્વની બેઠક ગણવામાં આવે છે. મોરબી એ સિરામિકનું હબ છે. તો માળિયા તાલુકામાં મીઠા ઉદ્યોગ અને જીંગા ઉદ્યોગનો તો વિકાસ થયો છે, પરંતુ તાલુકામાં વિકાસના નામે મીંડું જોવા મળ્યું છે. તાલુકા લેવલની એક પણ સુવિધા જોવા મળતી નથી.
માળિયા તાલુકામાં 52 ગામો આવેલા છે. માળિયામાં એક પણ બસ સ્ટેન્ડની સુવિધા ન હોવાથી રોડ પર બસ સ્ટોપ આપવામાં આવ્યા છે. માળિયાથી ભુજ-અમદાવાદ અને રાજકોટ તરફ જઈ શકાય છે, પરંતુ રોડ રસ્તા બિસમાર હાલતમાં પડ્યા છે. પાયાની અસુવિધાને પગલે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કેે, નેતાઓ માત્ર મત લેવા માટે જ આવે છે. કામ કરવા સમયે કોઈ સામે પણ નથી જોતું. તાલુકો પછાત હાલતમાં હોવાથી ચૂંટણીમાં એક પણ મત માળિયા તાલુકામાંથી આપવમાં નહીં આવે.
અબજો રૂપિયાની ગ્રાન્ટ આપવમાં આવી છતાં પણ માળિયા તાલુકામાં વિકાસ જોવા મળ્યો નથી. રોડ- રસ્તા, ગટર ઉભરાવવાના પ્રશ્નો, ખેડૂતોને સિંચાઈ માટે પાણી અગવડતા, બસ સ્ટેન્ડ જેવી સુવિધાનો અભાવ છે. માળિયા ગામમાં એક પણ ATM નથી. આરોગ્યની પણ તાલુકા લેવલની સુવિધા ન હોવાથી લોકોને વાંરવાર મુશ્કેલીઓ પડી રહી છે. જ્યારે નેતાઓ વિકાસના કામોનો ગુણગાન ગાઈ રહ્યા છે.
બ્રિજેશ મેરજા જણાવે છે કે, ધારાસભ્ય પદે હતો ત્યારે વિકાસના કામોને પ્રાધાન્ય આપ્યું છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા, નવલખી બંદરે જેટીની સુવિધા અપાવી, વાવણીયા શ્રી મદ રાજચંદ્રના જન્મભૂમીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પ્રયત્નો કાર્ય છે. ભુજ,અમદાવાદ અને સહિતની બસને સ્ટોપ અપાવ્યું છે. તો કોંગ્રેસના કિશોર ચીખલીયા જણાવે છે કે, ભાજપના ૨૫ વર્ષના શાસનમાં એક પણ બસ સ્ટેન્ડની સુવિધા આપવામાં આવી નથી તો ખેડૂતોને પણ સિંચાઈના પાણીની વ્યવસ્થા કરી આપી નથી.