મોરબી : વાંકાનેરમાં ગેરકાયદેસર ટોલનાકાનો પર્દાફાશ થયા બાદ પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી. સમગ્ર બનાવ મામલે પોલીસે જાતે ફરિયાદી બની પાંચ આરોપીઓના નામજોગ અને તેની સાથે અજાણ્યા માણસો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં સિદસર ઉમિયાધામ પ્રમુખના પુત્રનું નામ આવતા તે પોલીસ સમક્ષ રજૂઆત માટે પહોચ્યો હતો. તેણે પોતાનો કોઈ દોષ ન હોવાની રજૂઆત કરી હતી.
જેરામભાઈના પુત્ર પર આરોપ : વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ પરમારે આરોપી અમરશીભાઈ જેરામભાઈ પટેલ સહિત રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેની સાથે અજાણ્યા માણસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી અમરશીભાઈ જેરામભાઈ પટેલ સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈના પુત્ર છે.
અમારો કોઈ દોષ નથી તો આજે એસપીને રજૂઆત કરી છે કે, અમારો પ્રશ્ન એટલો જ છે કે અમે આમાં નિર્દોષ છીએ, અમને સજા થાય તે બરાબર નથી. -- જેરામભાઈ પટેલ (પ્રમુખ, સિદસર ઉમિયાધામ)
જેરામભાઈ એસપી કચેરી પહોંચ્યા : આજે જેરામભાઈ પટેલ મોરબી એસપીને રજૂઆત માટે પહોંચ્યા હતા. આ તકે ભાજપના ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના ભાજપના નેતાઓ અને પાટીદાર સમાજના આગેવાનો જેરામ પટેલની સાથે રહ્યા હતા
જેરામભાઈ પટેલની રજૂઆત : એસપી સમક્ષ રજૂઆત બાદ જેરામ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, અમરશીભાઈનું જે નામ આવ્યું જેમાં અમારી ફેક્ટરી અમારા પરિવારની છે. તે ફેક્ટરી બંધ પડી હતી, બાદમાં તેને ભાડે આપી હતી. તે ફેક્ટરી ભાડે આપ્યા બાદ ભાડુઆતો તેમાં શું કરે છે તે અમને જાણ નથી. તો 10 માં મહિનામાં તેને નોટીસ આપી ફેક્ટરી ખાલી કરવા માટે કહ્યું હતું. જે કોન્ટ્રાક્ટ 11 માં મહિનામાં પૂર્ણ થતો હતો, પણ આજકાલ કરતાં થોડો સમય કાઢી નાખ્યો હતો. અમારી એક જ વાત છે કે અમારો કોઈ દોષ નથી તો આજે એસપીને રજૂઆત કરી છે કે, અમારો પ્રશ્ન એટલો જ છે કે અમે આમાં નિર્દોષ છીએ, અમને સજા થાય તે બરાબર નથી.
શું કાર્યવાહી થઈ ? જેરામભાઈ પટેલે એસપી કચેરી ખાતે ભાડા કરાર અંગેના ડોક્યુમેન્ટ હતા તે સબમિટ કર્યા હતા અને એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા અન્ય બે ડોક્યુમેન્ટ માંગ્યા હતા. તેમાં ટોલનાકાવાળાએ વાઈટ હાઉસ સિરામિકને તેનો મેઈન રોડ પર આવેલ ગેટ બંધ કરવા માટે જાણ કરી હતી. પણ સીરમીકનો ગેટ ટોલનાકા પહેલા છે જેને લઈને કોર્ટમાં જેરામ પટેલ સહિતના ફેકટરીના ડાયરેક્ટરો ગયા છે. અંતે જેરામભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડોક્યુમેન્ટ અમે એસપીને સબમિટ કરીશું.