વાંકાનેરમાં આવેલ મંદિરમાં પૂજ્ય જલારામ બાપા તેમજ અન્ય ફોટાને નુકશાન પહોંચાડવામાં આવતા જે મામલે મંદિરના પૂજારીની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે એક શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી હતી.
વાંકાનેરના મંદિરમાં જલારામ બાપાની મૂર્તિ ખંડિત કરતા વિવાદ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના કુંભારપરાના રહેવાસી અને શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના પુજારી વિનોદભાઈ રામકૃષ્ણભાઈ મહેતા (ઉ.વ.૬૬) પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૦૧ રોજ રાત્રીના સમયે વાંકાનેરના દીવાનપરામાં રહેતો પ્રકાશ વાઢેર નામનો શખ્સ જલારામ મંદિરે આવ્યો હતો, ત્યારે મંદિરમાં તૂટવાનો અવાજ આવતા ફરિયાદી પુજારી ચેક કરવા જતા આરોપી પ્રકાશ વાઢેરે જલારામ બાપાની મૂર્તિનો હાથ તોડી નાખ્યો હતો અને તે ઉપરાંત મંદિરના મહંત સ્વ. રામકિશોરદાસ બાપુનો કાચનો ફોટો તોડી મૂર્તિનો હાથનો અંગુઠો તોડી નાખ્યો હતો અને આરોપી બાદમાં નાસી ગયો હતો.
જે બનાવ અંગે પુજારીની ફરિયાદને પગલે વાંકાનેર સીટી પોલીસે આરોપી સામે આઈપીસી કલમ 295 અને 427 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ જલારામ જયંતીનો પાવન અવસર હોય તે પૂર્વે જલારામ બાપાની મૂર્તિ ખંડિત થવાના બનાવને પગલે ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો હતો. તો પોલીસે પણ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.