- મોરબી સિરામિક ઉધોગકારોની મુશ્કેલીમાં વધારો
- એક્સપોર્ટ વધ્યું તો ઇમ્પોર્ટ ધટતા કન્ટેનરની અછત સર્જાઈ
- માલ તૈયાર હોવા છતાં ગ્રાહકો સુધી નથી પહોંચી રહી ટાઈલ્સ
- ઓર્ડર કેન્સલ થતા સિરામિક ઉધોગકારોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો
મોરબીઃ શહેરના સિરામિક ઉધોગમાંથી તૈયાર થતી સિરામિક પ્રોડક્ટને કન્ટેનર મારફતે વિદેશમાં મોકલવામાં આવતી હોય છે. જોકે હાલમાં મોરબીના ઉધોગકારોને માલ એકસ્પોર્ટ કરવામાં હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ વાતને સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, હાલમાં કન્ટેનરની શોર્ટેજ હોવાના કારણે ઉદ્યોગકારોના કારખાનાની અંદર સિરામિક પ્રોડકટનો માલ તૈયાર પડ્યો છે, છતાં પણ તેઓના ગ્રાહક સુધી સમયસર તેનો માલ મોકલી શકાતા નથી. જેના કારણે ઘણા ઉદ્યોગકારો તેની પાર્ટી ગુમાવવાથી લઇને આર્થિક નુકસાની સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો પડી રહ્યો છે.
મોરબીના સિરામિક ઉદ્યોગ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે હાલમાં 800 જેટલા સિરામિકના કારખાનામાં જુદી-જુદી સિરામિક પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાંથી મોટા પ્રમાણમા સિરામિક પ્રોડક્ટને એક્સપોર્ટ કરવામાં આવે છે, પરંતુ એક્સ્પોર્ટ અને ઈમ્પોર્ટની વચ્ચે હાલમાં બહુ મોટી ખાઈ ઊભી થઈ છે. જેના કારણે અત્યારે અહીંના ઉધ્યોગકારોને ખાલી કન્ટેનર મળતા નથી. મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ નિલેષભાઈ પટેલ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, છેલ્લા મહિનાઓમાં ચાઇના સહિતના દેશોમાંથી ભારતની અંદર જે જુદી જુદી પ્રકારની સામગ્રીને ઈમ્પોર્ટ કરવામાં આવતી હતી, તેની સંખ્યા ઘટી હોવાના કારણે અત્યારે લગભગ 25થી 30 ટકા જેટલું ઈમ્પોર્ટ માર્કેટ ડાઉન છે. જેથી કન્ટેનરની આવક ઓછી છે. જેની સામે મોરબીના સિરામિક ઉદ્યોગમાંથી સામાન્ય રીતે જે એક્સપોર્ટ કરવામાં આવતું હતું તેના કરતાં અત્યારે લગભગ 100 ટકા જેટલો વધારો થયો છે તેના કારણે કન્ટેનરની માગ વધી છે.
માલ તૈયાર હોવા છતાં ગ્રાહકો સુધી નથી પહોંચી રહી ટાઈલ્સ
મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસે એક્સપોર્ટના પૂરતા પ્રમાણમાં ઓર્ડર છે અને તેની સામે ઓર્ડર મુજબનો માલ તેઓના કારખાનાની અંદર તૈયાર છે, તેમ છતાં તેઓ પોતાની પાર્ટી સુધીમાં મોકલી શકતા નથી.
ઓર્ડર કેન્સલ થતા સિરામિક ઉધોગકારોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો
ઓર્ડર કેન્સલ થતા સિરામિક ઉધોગકારોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો કારણ કે, જરૂરિયાત મુજબના ખાલી કન્ટેનર્સ મળતા નથી અને ખાલી કન્ટેનર ન મળવાના કારણે તૈયાર માલ હોવા છતાં પણ પાર્ટીને સમયસર માલ ન પહોંચાડવાના લીધે ઘણા ઉદ્યોગકારોએ તેઓની કાયમી પાર્ટી ગુમાવવી પડે અથવા તો ઓર્ડરમાં નુકસાની સહન કરવી પડે તેવો ઘાટ સર્જાયો છે. આવા સમયે સરકાર દ્વારા દરમિયાનગીરી કરીને કોઇપણ રીતે મોરબીના સિરામિક ઉદ્યોગકારોને વહેલામાં વહેલી તકે ખાલી કન્ટેનર મળે જેથી કરીને તેઓ પોતાના માલને વિદેશમાં મોકલીને સરકારને પણ આર્થિક રીતે ફાયદો કરાવી શકે અને પોતાનો માલ વેચી શકે તેવી વ્યવસ્થા ગોઠવાય તે જરૂરી છે.