- હાર્દિક પટેલે કિશોર ચિખલિયાને મોકલી માનહાનીની નોટિસ
- કિશોર ચિખલિયા આરોપો સાબિત કરેઃ હાર્દિકના વકીલ
- આરોપ સાબિત ન કરી શકે તો ચિખલિયા માફી માગેઃ હાર્દિકના વકીલ
- મને કોઈ નોટિસ મળી જ નથીઃ ચિખલિયા
મોરબીઃ હાર્દિક પટેલે કિશોર ચીખલીયાને માનહાનીની નોટિસ આપી છે. આ નોટિસમાં જણાવ્યું કે, હાર્દિક પટેલ સામાજિક કાર્યકર, પાટીદાર સમાજ આગેવાન અને કોંગ્રેસ પક્ષના ગુજરાતના કાર્યકારી પ્રમુખ તરીકે કાર્યરત છે અને સમાજમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. ત્યારે કિશોર ચિખલિયાએ પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા તે સમયે તેમણે હાર્દિક પટેલ પર આક્ષેપો કર્યા હતા. ચિખલિયાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ અને લલિત કગથરાએ આર્થિક વ્યવહારો કરીને તેને પછાડવાની કોશિશ કરી છે.
આરોપ સાબિત ન થાય તો ચિખલિયાએ માગવી પડશે માફી
નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, સાબિતી માગવામાં આવતા આધાર પુરાવા સાબિત કરવાને બદલે તેઓ ઉડાઉ જવાબ આપ્યો છે અને આક્ષેપો કરીને વિષયને છોડી દીધો છે. તેઓ આક્ષેપ પુરવાર કરવામાં નિષ્ફળ ગયા છે. આથી જાણી જોઈને સભાન અવસ્થામાં આક્ષેપ કરીને મારા અસિલ હાર્દિક પટેલને જાહેરમાં બદનામ કર્યા છે. નોટિસ મળ્યે 10 દિવસમાં પૂરાવા રજૂ કરવા તક આપવામાં આવે છે. જો પુરાવા ન હોય તો મારા અસીલને પત્ર લખી આક્ષેપો લેખિતમાં પાછા લઈ માફ માગતો પત્ર 10 દિવસમાં મોકલી આપવો. નહીં તો ફોજદારી અને દિવાની કાર્યવાહી કરવામાં આવશે. જે અંગે કિશોર ચીખલીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, હાર્દિક ફેંકાફેંક કરે છે. આવી કોઈ નોટિસ હજુ સુધી તેમને મળી નથી નોટિસ મળ્યા બાદ પ્રત્યુતર આપશું.