મોરબી: જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ટંકારામાં બે ઇંચ તો વાંકાનેરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણી પાણી થયા હતા. વરસાદથી વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી હતી.
મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદમાં વાંકાનેરમાં ત્રણ ઇંચ વરસાદ તો ટંકારામાં ૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, તો મોરબીમાં 2 mm વરસાદ વરસ્યો હતો. જો કે, વાંકાનેરમાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા વાંકાનેર-ચોટીલા હાઈવે પર પાણી ભરાયા હતા. જેથી વાહનચાલકો પરેશાન થયા હતા.
શહેરી વિસ્તારમાં દુકાનોમાં પણ પાણી ઘૂસી જતાં વેપારીઓની હાલાકી થઈ હતી. પ્રતાપ રોડ, જૂની દાણા પીઠ, સિપાઈ વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદને પગલે મચ્છુ ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ હતી. મોરબી શહેર અને વાંકાનેર-ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો હતો.