- સોનાના બિસ્કીટની લાલચ આપી 3.50 લાખની છેતરપીંડી
- છેતરપીંડી કરી આરોપીઓ ફરાર
- ટંકારા પોલીસ મથકમાં નોધાઇ ફરિયાદ
મોરબી : ઓનલાઈન ફ્રોડ વધતા જઈ રહ્યા છે અને સોશિયલ મીડિયાના ગેરઉપયોગ કરીને ટોળકીઓ લોકોને વિશ્વાસમાં લઈને છેતરપીંડી કરી હોય છે. ત્યારે ટંકારાની લજાઈ ચોકડી નજીક હરિયાણાના એક વ્યક્તિને વિશ્વાસમાં લઈને 100 ગ્રામ બિસ્કીટ આપવાનું કહીને 3.50 લાખ રૂપિયા ઓળવી ગયા હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોધાઇ છે.
આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરી
મળતી માહિતી મુજબ હરિયાણાના રેવાડી જિલ્લાના ગોલીયાકા ગામે રહેતા સુમેરસિંગ શયોચંદ લાંબા સાથે હસમુખભાઈ ઉર્ફે હિતેશભાઈ રાજાભાઈ મકવાણાને ફેસબુક એપ્લીકેશનના માધ્યમ દ્વારા ફ્રેન્ડશીપ થતા આરોપી હસમુખ મકવાણાનો મિત્ર રાહુલે ફરિયાદી સુમેરસિંગને આરોપી હસમુખ સાથે ફોનમાં વાત કરાવી વિશ્વાસમાં લઇ 100 ગ્રામનું સોનાનું બિસ્કીટ 3,50,000માં આપવાનું કહી આરોપીઓએ ફરિયાદી સુમેરસિંગને લજાઈ ચોકડી પાસે બોલાવ્યો હતો. ત્યાં સુમેરસિંગને આરોપીઓએ પોતાની ગાડીમાં બેસાડી આગળ જઈ આરોપી હસમુખે સોનાનું બિસ્કીટ બતાવી 3,50,000 લઇ સોનાનું બિસ્કીટ ન આપી બંને આરોપીઓ છેતરપીંડી કરી નાસી ગયા હતા. આ ઘટનાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે. ત્યારે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.