- પતિ-પત્ની વચ્ચે થયેલા ઝગડામાં મિત્ર દ્વારા સમજાવતા બબાલ
- મિત્રએ ઉશ્કેરાઈને ઘરનો સમાન સળગાવી નાખ્યો
- બન્ને મિત્ર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
- પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
મોરબી : શહેરના લીલાપર રોડ પર સરકારી આવાસ યોજનામાં પતિ-પત્ની વચ્ચે થયેલા ઝગડામાં મિત્ર સમજાવવા જતા મામલો બીચકાયો હતો અને સામસામે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા બન્ને યુવાનોને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. આ ઝગડા બાદ ઘરમાં પણ આગ ચાંપી દેવામાં આવી હતી. જે કારણે ઘરવખરીને નુકસાન થયું છે. આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે
કુહાડી મારી મિત્રને કર્યો ઇજાગ્રસ્ત
મોરબીના લીલાપર રોડ પર આવેલા સરકારી આવાસ યોજનાનામાં રહેતા સોહેબભાઈ હનીફભાઈ સિપાઈ તથા તેમની પત્ની વચ્ચે ઝગડો થતા આરોપી ઇકબાલ રજાકભાઈ કાસમાણીને સમજાવવા માટે બોલાવતા આરોપી ઇકબાલભાઈ ફરિયાદી સોહેબને ગાળો આપતા ફરિયાદી સોહેબે ગાળો બોલવાની ના પાડતા આરોપી ઇકબાલભાઈએ ઉશ્કેરાઈ જઈ તેમના મોટર સાઈકલમાં રહેલી કુહાડી લઇને આવી ફરિયાદી સોહેબને મારવા જતા ફરિયાદી સોહેબને હાથના ભાગે ઈજા કરી ફરિયાદી સોહેબના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઘરમાં રહેલો સમાન સળગાવી નુકસાન કર્યું હોવાની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં સોહેબ હનીભાઈ સિપાઈએ ફરિયાદ નોંધાવી છે.
બન્ને મિત્રોને સારવાર અર્થે ખસેડાયા
આ ઘટનામાં સામાપક્ષે લીલાપર રોડ પર આવેલા હોથીપીરની દરગાહ નજીક રહેતા ઇકબાલ રજાકભાઈ કાસમાણીએ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી સોહેબ હનીફભાઈ સિપાઈ અને તેની પત્ની વચ્ચે બોલચાલી થઇ હતી. જે બાબતે બન્ને ફરિયાદી ઇકબાલ સમજાવવા જતા આરોપી સોહેબને સારું નહીં લાગતા આરોપી સોહેબે ગાળો આપી હતી. જેથી ફરિયાદી ઇકબાલે ગાળો બોલવાની ના પાડતા આરોપી સોહેબે ઉશ્કેરાઈ જઈ તેના હાથમાં રહેલી છરી વડે એક ઘા કમરમાં મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. આ સાથે મોરબી એ ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.