મોરબીઃ કોરોના મહામારી વચ્ચે પોલીસ ટીમો જીવના જોખમે કામગીરી કરી રહી છે. પોલીસને કોરોના વોરિયર્સ તરીકે સન્માન મળી રહ્યું છે, ત્યારે વાંકાનેરમાં એક મહિલા પોલીસ કર્મચારીએ લગ્નના બીજા જ દિવસે ફરજ પર હાજર થઈને કોરોના વોરિયર્સની કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહિલા કર્મચારીનું સ્ટાફ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા એલ.આર.ડી. પ્રફુલાબા (પુજાબા) હસુભા પરમારના લગ્ન ગત 17 મે ના રોજ ટંકારા આર્યસમાજ ખાતે ફકત બાર પરિવારજનોની ઉપસ્થિતિમાં યોજાયા હતા. જો કે, લગ્ન બાદ સામાજિક રીતરિવાજને પગલે રજા રાખવામાં આવતી હોય છે, પરંતુ મહિલા પોલીસ કર્મચારી હાલ કોરોના મહામારીમાં પોલીસની કામગીરીનું મહત્વ સારી રીતે સમજતા હોવાથી લગ્નની સરકાર તરફથી રજા મળી હોવા છતાં જાતે તે રજાનો ત્યાગ કર્યો હતો. લગ્નના બીજા દિવસે પોલીસ મથકમાં પોતાની ફરજ પર હાજર થયા હતાં.
જ્યારે અન્ય મહિલા કર્મચારી અલ્પાબેને પોતાના લગ્ન મોકૂફ રાખી ફરજને પ્રાથમિકતા આપી હતી. મહિલા પોલીસ કર્મચારીની કર્તવ્યનિષ્ઠાને વાંકાનેર તાલુકા પીએસઆઈ આર.પી.જાડેજા અને સ્ટાફે બિરદાવી અભિવાદન કર્યું હતું.