મોરબી: હળવદ તાલુકામાં રાયસંગપરના રસ્તે કોઝવેમાં પિતા-પુત્ર તણાઇ જવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાયસંગપરના નારાયણ બેચરભાઈ દલવાડી (ઉ.૪૫) તથા તેમનો પુત્ર શ્રીપાલ દલવાડી (ઉ.૧૮) અને તેમનો ભત્રીજો જીગો આ ત્રણેય હળવદ ગુજકેટની પરીક્ષા માટે જતા હતા.
આ દરમિયાન નારાયણભાઈ અને તેમનો પુત્ર શ્રીપાલ કોઝવેમાં તણાયા ગયા હતા. જેમાં નારાયણભાઈનો મૃતદેહ તુરંત મળી આવ્યો હતો. પરંતુ, શ્રીપાલનો મૃતદેહ મળ્યો ન હોવાથી સ્થાનિક તરવૈયાઓ અને NDRFની ટીમએ શોધખોળ શરૂ કરી હતી.
ઘટનાના 35 કલાક બાદ શ્રીપાલનો મૃતદેહ અડધો કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો. આ બનાવથી પરીવારમાં ભારે ગમગીની છવાઈ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.