મોરબીઃ જીલ્લામાં કપાસના વાવેતર પર નજર કરીએ તો, કુલ 1,86,172 હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે અને મોરબી જીલ્લામાં કુલ 3.14 લાખ મેટ્રિક ટન કપાસનું ઉત્પાદન થયું છે. જોકે સીસીઆઈ કેન્દ્રમાં કપાસ રીજેક્ટ થતો હોવાથી ખેડૂતોએ મુખ્યપ્રધાનને પોસ્ટકાર્ડ લખી સીસીઆઈ કેન્દ્રમાં તમામ ગુણવત્તાનો કપાસ ખરીદાય તેવી માગ કરી રહ્યા છે.
જીલ્લામાં કપાસનું મબલખ ઉત્પાદન થયું છે. જોકે કોરોનાને કારણે કપાસની ખરીદી મોડી શરુ થઇ છે. વળી સીસીઆઈ કેન્દ્રમાં કપાસ રીજેક્ટ કરાઇ રહ્યો છે. જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના ખેડૂતોએ પોસ્ટકાર્ડ અભિયાન શરુ કર્યુ છે. કોરોના લોકડાઉનને પગલે સોશિયલ ડિસટન્સના પાલન સાથે ટંકારા તાલુકાના લજાઈ, સજ્જનપર, નસીતપર, રાજાવડ, હડમતીયા સહિતના ગામના ખેડૂતો પોતાના ઘરે બેસીને મુખ્યપ્રધાનને પોસ્ટકાર્ડ લખી રહયા છે. જેમાં ખેડૂતોના તમામ પ્રકારના કપાસ સીસીઆઈ કેન્દ્રમાં ખરીદાય તેવી માગ કરવામાં આવી છે.
મોરબી જીલ્લામાં કપાસના ઉત્પાદન અંગે ભારતીય કિસાન સંઘના પ્રમુખ જણાવે છે કે, મોરબી જીલ્લામાં અતિવૃષ્ટિ તેમજ મોડા વરસાદને કારણે જીલ્લાના કુલ ઉત્પાદનમાં 70 ટકા કપાસ બી ગ્રેડનો છે અને માત્ર 10 થી 15 ટકા કપાસ જ એ ગ્રેડનો જોવા મળે છે. ત્યારે સીસીઆઈ કેન્દ્રમાં જનાર ખેડૂતના કપાસ રીજેક્ટ કરી પરત મોકલવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે ખરીદી મોડી શરુ થઇ છે. તેમજ નવા વાવેતરનો સમય થયો છે. છતાં કપાસ વેચાયો નથી. જેથી નવા વાવેતર માટે ખેડૂતો પાસે નાણા નથી. અને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ગત વર્ષની સરખામણીએ જોઈએ તો, કપાસના ટેકાના ભાવ ઊંચા જોવા મળે છે. ગત વર્ષે 850 થી 900 રૂપિયા ભાવ હતા. જે ચાલુ વર્ષે 1000 થી 1100 રૂ સુધી જોવા મળે છે. સીસીઆઈમાં ટેકાના ભાવે કપાસ ખરીદી શરુ કરાઈ છે. પરંતુ ખેડૂતોનો કપાસ ગુણવત્તાના ધોરણો અને નિયમો જણાવી રીજેક્ટ કરી દેવાય છે. જેથી મોરબી જીલ્લામાં હજુ મોટાભાગના ખેડૂતોનો કપાસનો પાક ઘરમાં જ પડ્યો જોવા મળે છે. અને ખેડૂતો પોસ્ટકાર્ડ અભિયાન ચલાવી પોતાની લાગણી મુખ્યપ્રધાન સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે સંવેદનશીલ સરકારના દાવા કરતી ગુજરાત સરકાર ખેડૂતોની અરજ સાંભળે છે કે નહિ તે જોવું રહ્યું.