- કોરોના મહામારીમાં લીંબુની માગ વધી
- લીંબુના બજારમાં ભાવ આસમાને ચડતા ખેડૂતે નિ: શુલ્ક આપવાનું નક્કી કર્યું
- પોતાની વાડીમાં રહેલા 40 છોડમાંથી દરરોજના 8થી 10 કિલો લીંબુનું વિતરણ
મોરબી : હાલ કોરોના મહામારીમાં લીંબુની માગ વધી છે અને હડમતિયા ગામમાં લોકો બહારથી લાવીને રાહત દરે લીંબુ વિતરણ કરતા હતા, ત્યારે ગામમાં જ રહેતા નાના ખેડૂત પરિવારની 1.5 વિઘા જમીનમાં 40 જેટલા લીંબુના છોડ આવેલા છે. જેથી તેને પણ વિચાર આવ્યો કે, ગામમાં બહારથી લાવીને રાહત દરે લીંબુ વિતરણ કરવામાં આવે છે તો મારે તો ઘરે જ લીંબુ છે તો હું પણ લોકોને નિ: શુલ્ક લીંબુ આપું અને આ કપરા સમયમાં લોકોની થાય તેટલી સેવા કરું. જેથી વિજય સીતાપરાએ તેની વાડીમાં રહેલા 40 છોડમાં દરરોજના 8થી 10 કિલો લીંબુ થાય છે, તે લીંબુ ગામમાં રહેલા દર્દીઓને નિ: શુલ્ક આપી રહ્યા છે અને હડમતિયા ગામના લોકોની સેવા કરી રહ્યા છે. તો ગામમાંથી બીમાર ન હોય તે પણ વ્યક્તિ લેવા આવે તો તેને પણ નિ: શુલ્ક આપી રહ્યા છે.
આ પણ વાંચો : રાજ્યપાલના હસ્તે સેવાયજ્ઞનો પ્રારંભ, કોરોના વોરિયર્સને કિટનું વિતરણ કરાશે
દરરોજના 8થી 10 કિલો લીંબુનું નિઃ શુલ્ક વિતરણ
હાલ લીંબુના ભાવ 150થી 200ની પહોચી ગયા છે, ત્યારે આ ગરીબ પરિવાર દરરોજના 8થી 10 કિલો લીંબુનું નિઃ શુલ્ક વિતરણ કરીને ગ્રામજનો માટે વિટામીન Cની સરવાણી વ્હાવી રહ્યો છે. નજરે જોતા સેવા નાની લાગે પણ મન મોટું હોય તે વ્યક્તિ સેવા કરે એ મોટી સેવા જ કહેવાય.
આ પણ વાંચો : સુરતના સચિન GIDCના ઉદ્યોગપતિઓ દ્વારા લોકોને નિઃશુલ્ક ઓક્સિજન વિતરણ સેવા
ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે મદદ કરવાની ખેડૂતની ભાવના
પરિવારના વિજય સીતાપરા ઈલેક્ટ્રોનિક ફિટિંગનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. વિજયભાઈ, સુમિત્રાબેન, સંદિપ અને નાવ્યા એમ ચાર વ્યક્તિનો પરિવાર કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ગ્રામજનોની ફુલ નહિ તો ફુલની પાંખડી સ્વરૂપે મદદ કરી રહ્યો છે. આ સેવા સાત- આઠ દિવસથી અવિરત ચાલુ છે અને છોડમાં જ્યાં સુધી લીંબુ રહેશે ત્યાં સુધી તેમની આ સેવા ચાલુ રહેશે. સો સો સલામ આવા સેવાભાવી ગરીબ પરિવારને કે જેઓ આવી વિકટ પરિસ્થિતિમાં પણ માનવતાની જ્યોત પ્રજ્વલ્લિત રાખી છે.