મોરબી જિલ્લામાં કુલ 1800 જેટલા ચેકડેમ આવેલા છે. આ ચેકડેમ બનાવવાનું કાર્ય 2004-05 વેગવંતુ બન્યું હતું અને વિવિધ ગામના ખેડૂતોએ સિંચાઈની સુવિધા મળે તેવા હેતુથી ચેકડેમો બનાવવામાં આવ્યા છે. જો કે, ગત્ ચોમાસામાં અપૂરતા વરસાદને પગલે મોરબી જિલ્લાના મોટાભાગના ચેકડેમો ખાલીખમ પડ્યા છે. જેથી ચેકડેમોની પૂરતી સંખ્યા હોવા છતાં ખેડૂતોને ચોમાસા પૂર્વેની ખેતીની તૈયારી કરવા માટે પાણી ઉપલબ્ધ નથી. જેથી ખેડૂતોને વરસાદ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. મોરબી જિલ્લાના સિંચાઈના અધિકારીઓ જણાવે છે કે, ચેકડેમો ખેડૂતો માટે આવકારદાયક છે કારણ કે, સરેરાશ એક ખેડૂત દીઠ 25થી 30 સેક્ટરનો લાભ મળે છે એટલે નાના એવા ચેકડેમમાંથી પણ નાના ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે છે. જોકે ગત વર્ષે વરસાદની અપૂરતા વરસાદને લીધે કેટલી ખાલી પડ્યા છે.
મોરબી જિલ્લાના ચેકડેમની આ પરિસ્થિતિ પગલે સ્વાભાવિક છે કે, ખેડૂતો નિરાશ જોવા મળે છે, ત્યારે મોરબી તાલુકાના ધરમપુર ગામના માજી સરપંચ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમના ગામમાં આવેલા ચેકડેમમાં મચ્છુ નદીમાંથી પાણી આવે છે. જો કે, મચ્છુ નદીમાં ગટરનું ગંદુ પાણી ઠલવાતું હોવાથી દૂષિત પાણી મળે છે જેનો ખેતી માટે ઉપયોગ કરવો પડે છે. સાથે આ ગામના ખેડૂતે જણાવ્યું કે, 40 વિઘા જમીનમાં કપાસ અને મગફળી વાવેતર કર્યું છે, જેમાં પીયત માટે દૂષિત પાણીનો વપરાશ કરવો પડે છે. જેથી જમીનને નુકસાન પહોંચાડે છે, પરંતુ અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી ગંદુ પાણી વાપરવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે.
મોરબીના જૂના સાબર ગામના ખેડૂતે જણાવ્યું કે, તેમનું ગામ મુખ્ય ખેતી પર આધારિત છે, પરંતુ મચ્છુ નદીમાં પાણી નથી જેથી તેને ચોમાસા પૂર્વે વાવેતરની તૈયારી કરવાનો અવસર જ મળ્યો નથી. હવે તો વરસાદ થાય તેની રાહ ખેડૂતો આતુરતાથી જોઈ રહ્યા છે.
મોરબીમાં 10 ડેમો આવેલા છે અને નર્મદાની માળિયા તેમજ મોરબી બ્રાન્ચ કેનાલ ઉપર લાગુ પડે છે, તે છતાં ખેડૂતો સિંચાઈના પાણી માટે પરેશાન છે. ગત્ વર્ષે અપૂરતા વરસાદને કારણે મોટાભાગના ડેમો ખાલી હોવાથી બચેલો જથ્થો પીવા માટે અનામત રાખવામાં આવ્યો છે. જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે તેવા કોઈ અણસાર જોવા મળતા નથી. તેમજ ચેકડેમોમાં પણ પાણી નથી ત્યારે ખેડૂતોને તો માત્ર કુદરતનો જ એક આધાર રહેશે. આ વર્ષે વરસાદ સારો પડે તે માટે ખેડૂતો કુદરને પ્રાર્થના કરી રહ્યા છે.