- કોરોનાના કારણે દર વર્ષે યોજાતો મેળો રદ કરવામાં આવ્યો
- સોમવતી અમાસમાં શિવાલયોમાં દર્શન અર્થે ભક્તો ઉમટી પડ્યા હતા
- દર વર્ષે અમાસ નિમિત્તે રફાળેશ્વર મંદિરમાં મેળો યોજાય છે
મોરબી: સોમવતી અમાસ અને શ્રાવણ માસના સોમવાર નિમિત્તે રફાળેશ્વર મહાદેવ મંદિરે આજે લોકો ઉમટી પડ્યા હતા. સોમવતી અમાસ નિમિત્તે લોકોએ શ્રદ્ધાભેર પિતૃતર્પણ કરીને ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા.
શિવભક્તોએ દર્શન તેમજ પિતૃતર્પણનો લાભ લીધો
આ ઉપરાંત જંગલેશ્વર મહાદેવ મંદિર, શોભેશ્વર મહાદેવ મંદિર, અગનેશ્વર મહાદેવ મંદિર, શંકર આશ્રમ ખાતે નીલકંઠ મહાદેવ મંદિર, વાંકાનેર નજીક આવેલા જડેશ્વર મહાદેવ મંદિર, મોરબીના સ્ટેશન રોડ પર આવેલું જડેશ્વર મહાદેવ મંદિર સહિતના તમામ વિસ્તારમાં આવેલા શિવાલયોમાં લોકો ઉમટી પડ્યા હતા. આ શિવાલયોમાં શિવભક્તોએ દર્શન તેમજ પિતૃતર્પણનો લાભ લીધો હતો.
રફાળેશ્વર મહાદેવ પૌરાણિક મંદિર છે
રફાળેશ્વર મંદિરના ટ્રસ્ટી પરેશભાઈ પંડ્યાએ અહીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, દર વર્ષે અમાસ નિમિત્તે અહીં મેળો યોજાય છે. જો કે, કોરોના મહામારીને પગલે મેળો રદ કરાયો છે, રફાળેશ્વર મહાદેવ પૌરાણિક મંદિર છે જ્યાં પાંડવોએ મહાભારત કાળમાં અહી પિતૃતર્પણ કર્યું હતું. જે સ્થળે પિતૃતર્પણ માટે માત્ર મોરબી જ નહિ સૌરાષ્ટ્રભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે.