મોરબી: સમસ્ત હિંદુ સમાજના જગતગુરુ શ્રી કૃષ્ણ ભગવાન અને તેમના પરિવારજનો વિશે અભદ્ર ટીકા-ટીપ્પણી કરનાર મોરારીદાસ હરિયાણી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું છે.
માળીયાના ખીરસરાના પૂર્વ સરપંચ મનુભાઈ ખાંડેખા તેમજ આહીર સમાજના યુવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી જણાવ્યું હતું કે, ગુજરાતના મહુવા તાલુકાના તલગાજરડાના કથાકાર મોરારીદાસ હરિયાણી દ્વારા કથાના માધ્યમથી સમગ્ર વિશ્વ માટે આદરરૂપ એવા જગતગુરુ શ્રીકૃષ્ણ ભગવાનના પરિવારને ટાર્ગેટ કરી યોગ્ય વાણી વિલાસ કરીને હિંદુ સમાજને ન શોભે તેવી ટપોરી ભાષામાં નિંદાત્મક વર્ણન કરીને સમસ્ત હિંદુ સમાજને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધો છે.
આ બાબતે વિરોધ થતા મોરારીદાસે ઈમોશનલ રીતે પોતે સમાધિ લેશે અને રોવા ધોવાના નાટક કરીને આ બાબતને પૂર્ણ કરવાને બદલે તેના મળતિયાઓ તથા આર્થિક લાભો ભોગવતા લોકોના સાચા ખોટા વીડિયો મુકીને સમાજ સમાજ વચ્ચે ભાગલા પડાવવા તથા યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
મોરારીદાસના સમર્થકોના વીડિયોના લીધે હાલ વાતાવરણ તંગ બનેલું છે. જેના લીધે ગઈકાલે દ્વારકા મધ્યે સંજય ચેતરીયા નામના કૃષ્ણભક્ત ઉપવાસ અનસન પર ઉતરી ગયેલા છે. હાલ તમામ કૃષ્ણભક્તોની લાગણીને ઠેંસ પહોંચી છે. જો આવતા દિવસોમાં સંજયભાઈ ચેતરીયા જે અનસન પર ઉતરેલા છે તેને કાઈ પણ થશે તો તેની જવાબદારી મોરારીદાસ અને તેના સમર્થનમાં વીડિયો વાઇરલ કરનાર સમર્થકોની રહેશે. જો આવતા દિવસોમાં મોરારીદાસ આ યુવાનો સાથે સંવાદ નહિ કરે કે દ્વારકાધીશ તેમજ બલરામજીની માફી દ્વારકા જઈને નહિ માંગે તો મોરબીના યુવાનો પણ આંદોલનના મંડાણ કરશે.