થર્ટી ફર્સ્ટની ઉજવણીને યાદગાર બનાવવા યુવાનો મસમોટો ખર્ચ કરતા હોય છે. તેમજ પાર્ટી કરીને ઉજવણી કરતા હોય છે. ત્યારે ઓમ વીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓએ આ દિવસની અનોખી ઉજવણી કરી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટમનીમાંથી રકમ એકત્ર કરીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવાનો નિર્ધાર કર્યો હતો. જેમાં કોલેજીયન યુવાનો માળિયા તાલુકાના ખારાવાંઢ ગામની પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા. જ્યાં પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણીક કીટ અર્પણ કરી હતી. તેમજ બાળકોના હસ્તે કેક કટીંગ કરાવી તેમને ચોકલેટ્સનુ વિતરણ કર્યું હતું.
આજનું યુવાધન નવા વર્ષની ઉજવણી મોજશોખ તેમજ વૈભવી પાર્ટી યોજી કરે છે. ત્યારે મોરબી ઓમ વીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓએ પછાત વિસ્તારના બાળકોને શૈક્ષણીક કીટ અર્પણ કરી ઉજવણી કરી હતી. જે ખરેખર પ્રશંસનીય છે. ત્યારે કોલેજના વિદ્યાર્થીઓના આ પ્રેરણાદાયી કાર્ય બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, ખારાવાંઢ પ્રાથમિક શાળાના શિક્ષકો અશોકભાઈ અવાડીયા, બ્રિજેશભાઈ કાનગડ, સંદીપભાઈ બાલાસરા સહીતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા.