મોરબી: તાલુકાના બગથળા ગામ નજીક આવેલ ફેકટરીમાં બોઈલર રીપેરીંગ કરતી વેળાએ બ્લાસ્ટ થતા દુર્ઘટના સર્જાઈ હતી. જે દુર્ઘટના સમયે કંપનીના પાર્ટનર સહિતના 3 વ્યક્તિ સ્થળ પર હાજર હતા. બોઈલર ફાટતા આગ ફાટી નીકળી હતી જેમાં દાઝી જતા ગંભીર ઈજાને પગલે પાર્ટનર સહીત બે યુવાનના કરુણ મોત થયા હતા.
સુપરવાઈઝરને ઈજા પહોંચતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો
બગથળા ગામ નજીક આવેલ ઈવા સિન્થેટીક નામના કારખાનામાં સાંજે 5 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. સાંજે બોઈલર રીપેરીંગ કામગીરી દરમિયાન બોઈલર બ્લાસ્ટ થયું હતું અને બોઈલર ફાટતા આગ ફાટી નીકળી હતી. બનાવને પગલે મોરબી ફાયર વિભાગની 3 ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે કામગીરી કરવામાં આવી હતી. એક સુપરવાઈઝરને ઈજા પહોંચતા મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડાયાની માહિતી પ્રાપ્ત થઇ છે.
બોઈલર ફાટતા તેમજ આગ લાગવાને પગલે કારખાનામાં હાજર પાર્ટનર અને ટેકનીશીયન વિપુલભાઈ ઠાકરશીભાઈ ધોરી (ઉ.વ.40 ) રહે આલાપ રોડ પટેલનગર મોરબી તેમજ હિતેશભાઈ મનસુખભાઈ ડેડકીયા (ઉ.વ.37) એમ બે વ્યક્તિના કરુણ મોત થયા હતા. તો ફેકટરીના સુપરવાઈઝર નીતિનભાઈ અમૃતભાઈ ધામેચા (ઉ.વ.50) રહે માધવ દર્શન એપાર્ટમેન્ટ રવાપર રેસીડેન્સી મોરબી વાળાને ગંભીર ઈજા પહોંચતા મોરબી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની 3 ટીમોએ 2કલાકથી વધુ સમય સુધી જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવને પગલે ફાયર ઉપરાંત મોરબી તાલુકા પોલીસ અને 108 ની ટીમ પણ દોડી ગઈ હતી. ઈવા સિન્થેટીક નામની ફેકટરીમાં રેકઝીન બનાવવામાં આવતું હતું જ્યાં બોઈલર બ્લાસ્ટ થતા સર્જાયેલી દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત થયા હતા તો એકને ઈજા પહોંચી હતી. જોકે બોઈલર બ્લાસ્ટ ક્યાં કારણોસર થયું તે હાલ સ્પષ્ટ થયું નથી તાલુકા પોલીસ ટીમે તપાસ શરુ કરી છે.