- વાંકાનેરની અંધ-અપંગ ગૌશાળાને દાન આપવા અપીલ
- 1100 અંધ-અપંગ ગાયો નિભાવ કરે છે ગૌશાળામાં
- લોકડાઉન બાદ દાનનો પ્રવાહ ઘટ્યો હોવાથી ગાયોના નિભાવ માટે મુશ્કેલી
- ગૌશાળાના ટ્રસ્ટીઓએ કરી દાતાઓને અપીલ
મોરબીઃ જિલ્લાના વાંકાનેરના જીનપરા વિસ્તારમાં આવેલી અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ સંસ્થા કાર્યરત છે, જ્યા અંધ અપંગ ગૌ માતા મળીને 1100થી વધુ ગાયનો નિભાવ કરવામાં આવે છે. ગાય માતાને પ્રતિદિન લીલા-સુકા ઘાસ ઉપરાંત ગોળ-ખોળ આપવામાં આવે છે, સાથે નિષ્ણાંત પશુ ચિકિત્સક દ્વારા નિયમિત સારવાર અપાય છે. ગાય માતા માટે આવેલ દાન ખરા સમયે ગાય માતા માટે જ વાપરવું જોઈએ તેવા વિચાર સાથે પ્રમુખ અને ટ્રસ્ટીઓએ વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ દ્વારા બાજુના રાજાવડલા રોડ પર ગૌ માતા માટે આઠ એકર જગ્યામાં 1500થી વધુ ગૌ માતાને સારી રીતે રાખી શકાય તે માટે 17 મોટા પાકા શેડ, વિશાલ ઘાસ ગોડાઉન, પાણી માટે સુંદર અવેડાની વ્યવસ્થા કરવામાં આવી છે.
લોકડાઉન બાદ દાનનો પ્રવાહ ઘટ્યો હોવાથી ગાયોના નિભાવ માટે મુશ્કેલી
ગૌશાળામાં બાલ ક્રીડાગણ, ગૌ ગાર્ડન, સીનીયર સીટીઝન પાર્ક, પક્ષી માટે ચબુતરો, ગૌમાતા ભવ્ય મંદિર સહિતની સુવિધાઓ ગૌશાળામાં મળી રહે તેને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટીઓએ દાતાઓના સહયોગથી ભગીરથ કાર્યને પાર પાડવા દિવસ-રાત મહેનત કરી રહ્યા છે, ગૌશાળા નિભાવ માટે પ્રતિદિન રૂ 50 હજારથી વધારેનો ખર્ચ છે, જો કે સંસ્થાને દર વર્ષે દાતાઓ દ્વારા આવતા દાનમાં કોરોના મહામારીને કારણે 25થી 30 ટકા ઘટાડો થતા ગૌ નિભાવ ખર્ચની ચિંતા ટ્રસ્ટીઓ કરી રહ્યા છે, હાલ લોકડાઉન પૂર્ણ થયું છે અને ધંધા રોજગાર શરુ થયા છે, ત્યારે ફરી દાતાઓએ ગૌશાળાને અર્પણ કરાતુ દાનની ઘટ પૂર્ણ કરવા અપીલ કરી છે.