મોરબી: જિલ્લામાં એક મહિલાને તેના ઘરમાંથી કાઢી મુકવામાં આવતા આ નિરાધાર મહિલાની વ્હારે 181 ટીમ આવી હતી. માહિતી અનુસાર તા.5 ઓક્ટોબરના રોજ મોરબી 181 ટીમને કોલ મળ્યો હતો કે, એક બહેન મોરબી જિલ્લાના વતની છે. જેને સાસરિયાઓએ માથાકૂટ થતાં તેમના પતિએ ઘરમાંથી કાઢી મૂક્યા છે. જે કોલ મળતાં મોરબી 181 ટીમના પટેલ જીજ્ઞાશા (કાઉન્સેલર) અને નીલોફરબેન કોન્સ્ટેબલની ટીમ મહિલાની મદદે પહોંચ્યા હતા.
આ મહિલાએ લગ્ન કર્યાના 2 મહિના થયા હતા અને પતિ સિરામિકમાં નોકરી કરતો હતો. જે રાત્રી દરમિયાન નોકરી પર જતા હોવાથી સમય આપતા નહોતા, જેથી બોલાચાલી થઇ હતી. તેમજ સાસુએ કામ બાબતે તેના પતિને ચઢામણી કરી હોવાથી પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા રહેતા હતા. જેનાથી કંટાળી બહેને આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. જેથી પતિ તેને પિયર મૂકી આવ્યો હતો. જોકે, પિયરમાં ચાર દિવસ રોકાયા બાદ તેઓ તા. 4 ઓક્ટોબરના રોજ સાસરીયે જવા નીકળ્યા હતા. પરંતુ પતિએ રાખવાની ના પાડી હતી. જેથી 181ની ટીમ મહિલાને વ્હારે આવી હતી. 181 ની ટીમે તેમના પતિને સમજાવી કાયદાકીય માહિતી આપી હતી. પરંતુ સમજાવટ છતાં તેઓ રાખવા તૈયાર નહોતા. જેથી મહિલાને હાલ OSC સેન્ટર ખાતે આશ્રય અપાવ્યો છે.
જયારે અન્ય એક બનાવમાં એક ભાઈનો કોલ આવ્યો છે કે, એક બહેન કામની શોધમાં 2 દિવસથી ગામમાં ફરે છે. તેનો પતિ અવારનવાર મારતો હતો અને પતિએ ઘરની બહાર કાઢી મુકતા તેઓ પિયરમાં ગયા હતા. પરંતુ ત્યાં પણ ભાઈ અને ભાભીએ સાથ ન આપતા તેઓ મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ લાંબા સમયથી કામ ના મળતા તેઓ ભટકતા હતા. જે મહિલાની મદદે 181 ટીમ પહોંચી હતી. જેમાં મહિલાને OSC સેન્ટર મોરબી ખાતે આશ્રય આપવામાં આવ્યો છે