મોરબી: મોરબી ખાતે યોજાયેલ મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વિ-શતાબ્દી જન્મ જયંતિ મહોત્સવ દ્વારા આયોજિત ધર્મસભા સમરોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, "મોરબી અને ટંકારા મારા સહિત અનેક લોકો માટે પરમ શ્રદ્ધાનું કેન્દ્ર છે. ટંકારાની પવિત્ર ભૂમિ પર મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જ્ન્મ થયો હતો. તેઓએ વિદ્યાપ્રાપ્ત કરવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. બાદમાં તેઓએ વેદોનું જ્ઞાન મેળવ્યું હતું.
રાજ્યપાલએ આ સંદર્ભે વધુમાં કહ્યું હતું કે, "વેદોના મંત્રોથી કુરિવાજોની આહુતિ આપી યજ્ઞને પુનઃ પ્રસ્થાપિત કરવાનું કાર્ય મહર્ષિ દયાનંદ સરસ્વતીએ કર્યું હતું. પ્રાચીન ભારતમાં સ્ત્રીઓને વેદનું જ્ઞાન આપવામાં આવતું હતું અને તેમનું સમ્માન કરવામાં આવતું હતું. પરંતુ મધ્યકાળમાં વિદેશીઓ અને અંગ્રેજોની ગુલામીમાં સ્ત્રીઓ સાથે અન્યાય થયો હતો. દયાનંદજીએ નારીઓનું પુન સમ્માન અપાવ્યું હતું. અનેક ક્રાંતિકારીઓ જેમાં ભગતસિંહ, લાલા લજપતરાય જેવા ક્રાંતિકારીઓએ દયાનંદ સરસ્વતીના વિચારોમાંથી પ્રેરણા લઇ દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. દયાનંદ સરસ્વતી તેઓના ‘સત્યાર્થ પ્રકાશ’ નામના ગ્રંથમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવાની વિચારધારા તેઓએ રજૂ કરતા લોકોમાં સ્વદેશ અને રાષ્ટ્રપ્રેમનો ભાવ ઉભો થયો છે.
રાજ્યપાલ સજીવ ખેતી વિશે જણાવ્યું હતું કે, "આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ સાથોસાથ સજીવ ખેતીને બદલે રસાયણિક ખેતી વધુ થવાથી લોકોના આરોગ્યને નુકશાન થવા લાગ્યું. આપણી પ્રાચીન પરંપરા સજીવ ખેતી હતી. જે શરીરને શુદ્ધ કરે છે. તે રીતે ભારતીય વેદોમાં પર્યાવરણને શુદ્ધ કરવાની પરંપરા છે. જે જલ દેવને પ્રસન્ન કરે છે અને વરસાદ લાવે છે. વાતાવરણને શુદ્ધ કરે છે. વધુમાં આચાર્યશ્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સૂક્ષ્મ નેતૃત્વમાં દેશ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. દુનિયાની ત્રીજી આર્થિક વ્યવસ્થા બનવા જઇ રહી છે. ત્યારે એમાં આપણે સૌ સંગઠિત બનીને એકતાની આહુતિ આપીએ. પ્રકૃતિનું સંરક્ષણ કરીને, દુઃખીઓની સેવાઓ કરવી જોઇએ.