મોરબીઃ ટૂરિસ્ટ વિઝા લઈને હરિદ્વાર આવેલ 45 પાકિસ્તાની હિંદુ નાગરિકો વાયા બનાસકાંઠા થઈને મોરબી આવી પહોંચ્યા છે. અહીં તેમણે કોળી ઠાકોર જ્ઞાતિની વાડીમાં આશરો મેળવ્યો છે. તેમની માંગણી છે કે તેમને શરણાર્થી તરીકે રહેવા દેવામાં આવે. આ મામલે ઠાકોર સમાજના અગ્રણીઓએ કલેકટર અને પોલીસને રજૂઆત કરી છે.
વાયા બનાસકાંઠા મોરબી પહોંચ્યાઃ ગઈકાલે રાત્રે 45 જેટલા પાકિસ્તાની હિંદુ નાગરિકો મોરબી આવી પહોંચ્યા છે.મોરબીમાં જિલ્લા કલેકટર કચેરી પાછળ આવેલ ઠાકોર કોળી સમાજની વાડી ખાતે તેઓ રોકાયા છે. આ નાગરિકોએ પાકિસ્તાન સરકાર પાસેથી યાત્રાધામ હરિદ્વારના ટૂરિસ્ટ વિઝા લીધા હતા. જેઓ વાયા બનાસકાંઠા થઈને મોરબી પહોંચ્યા છે. આ નાગરિકોમાં મહિલાઓ અને બાળકો પણ છે.
તંત્રને જાણ કરાઈઃ કોળી સમાજ આગેવાનોએ આ સમગ્ર ઘટનાની જાણ તંત્રને કરી છે. ભારત સરકાર તેમને મોરબીમાં આશરો આપે તેવી માંગ કરે છે શરણાર્થીઓ પણ કરી રહ્યા છે. તેઓ પાકિસ્તાન પરત જવા માંગતા નથી. આ પાકિસ્તાની હિંદુ નાગરિકો ગુજરાતમાં પ્રથમ બનાસકાંઠા પહોંચ્યા હતા જ્યાં પાકિસ્તાની સરહદ નજીક હોવાથી ત્યાં રહેવા ઇનકાર કર્યો હતો. નજીકમાં મોરબી હોવાથી બાળકો અને મહિલાઓ સાથે આ લોકો મોરબી આવી પહોંચ્યા હતા.
'અમારી પાસે આ પાકિસ્તાની હિન્દુ નાગરિકો રજૂઆત માટે આવ્યા હતા. અમે તેમના પેપર્સ ચેક કર્યા છે. તેમના વિઝા હરિદ્વારના છે. અમે વધુ તપાસ હાથ ધરી છે.' -રાહુલ ત્રિપાઠી, એસપી, મોરબી પોલીસ
પાકિસ્તાન નાગરિકોની વેદનાઃ પાકિસ્તાનથી આવેલ નાગરિકોએ તેમની વેદના રજૂ કરી હતી. પાકિસ્તાનમાં સ્થિતિ ખરાબ છે. અતિશય મોંઘવારી હોવાથી ત્યાં રહેવું પોસાય તેમ નથી. બાળકોનો ઉછેર અને અભ્યાસ પણ મુશ્કેલીભર્યો બનતો જાય છે. પરિણામે તેઓ ભારત આવ્યા છે અને અહી બાળકોને સારું ભવિષ્ય મળશે તેવી આશા વ્યક્ત કરી છે.