વાંકાનેર નગરપાલિકામાં વોર્ડ નં 04ના બહુજન સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાયેલા જાકીર બલોચ, શરીફાબેન રાઠોડ, સલીમ મેસાણીયા અને વિજયાબેન સારેસા એમ ચાર સદસ્યોએ નાગરિકતા સંશોધન બીલના વિરોધમાં પક્ષમાંથી રાજીનામાં આપ્યું છે. જે અંગે રાજીનામું આપનાર બસપાના સદસ્યોઓ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર નાગરિકતા સંશોધન બિલ લાવી છે. જેમાં પક્ષના સુપ્રીમો માયાવતીએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું અને આડકતરી રીતે ભાજપાને આ બિલમાં સમર્થન કર્યું હતું. જેનો વિરોધ દર્શાવે છે આ બિલ લઘુમતી વિરોધી હોય અને બસપા સુપ્રીમોના સ્ટેન્ડથી નારાજગી દર્શાવી પક્ષના ઉપપ્રમુખને રાજીનામાં સોપી દીધા છે.
બસપાના નગરપાલિકાના ચાર સદસ્યોએ પક્ષમાંથી રાજીનામાં આપી જીલ્લા ઉપપ્રમુખને સોપ્યું છે.જે મામલે બહુજન સમાજવાદી પાર્ટીના મોરબી જિલ્લા ઉપપ્રમુખે જણાવ્યું કે, ચાર સદસ્યોએ આપેલ રાજીનામાં અંગે ઈમેલ કરીને માયાવતીને જાણ કરી છે. તેમજ પ્રદેશ સંગઠનને પણ આ અંગે માહિતગાર કર્યા છે. બિલ લઘુમતી વિરોધી હોવાથી જેથી સદસ્યોમાં નારાજગી છે. અને રાજીનામાં આપ્યા છે. તો બિલ ના વિરોધમાં વધુ રાજીનામાં પડી શકે છે. તેવો સંકેત પણ તેમને આપ્યો હતો અને સંગઠનના અન્ય હોદેદારો પણ રાજીનામાં આપવાની ઝુંબેશમાં જોડાઈને પક્ષનો વિરોધ કરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.
આમ નાગરિકતા સંશોધન બિલ સંસદમાંથી તો પસાર કરી દેવામાં સરકારને સફળતા મળી છે. પરંતુ દેશના વિવિધ સ્થળે તેનો વિરોધ જોવા મળી રહ્યો છે. તો બહુજન સમાજવાદી પાર્ટીના સ્ટેન્ડનો પક્ષમાંથી જ વિરોધ થઇ રહ્યો છે. અને હાલ ચાર સભ્યોએ રાજીનામાં આપ્યા છે પરંતુ હજુ સંગઠનના અન્ય હોદેદારો પણ રાજીનામાં આપે તેવા સંકેતો મળી રહ્યા છે.