વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં ફોમેક્ષ કારખાના સામે બાવળની જાળીમાં કોહવાયેલો મૃતદેહ પડ્યો હોવાની માહિતી જાલીડા ગામના રહેવાસી રમેશ કોળીએ પોલીસને આપી હતી. જેથી વાંકાનેર તાલુકાના PSI બી. ડી. પરમારની ટીમ સ્થળ પર પહોંચી હતી. મૃતક યુવાનની ઉંમર આશરે 32 થી 35 વર્ષ છે, તેમજ શરીરે લાલ વાદળી કલરની મોટી ચેક્સની ડીઝાઇનનો શર્ટ પહેર્યો હોવાનું પોલીસના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.
યુવાનનું મૃત્યુ કયા કારણોસર થયું તે હજી સ્પષ્ટ થયું નથી. તેમજ મૃતક યુવાનની ઓળખ મેળવવાની બાકી હોવાના કારણે વાંકાનેર તાલુકા પોલીસે ઓળખ મેળવવા અને મૃતકના પરિવારની શોધખોળ આદરી છે.
અપમૃત્યુના બીજા બનાવમાં વાંકાનેરના પેડક સોસાયટીના રહેવાસી શંકર મઢવીનો 1.5 વર્ષનો દીકરો નેત્ર મઢવી ગઈકાલે સાંજે પોતાના ઘરે પાણીના ટાંકામાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
અપમૃત્યુના 3જા બનાવમાં મૂળ બિહારના રહેવાસી અને મોરબી રાજકોટ હાઈવે પરના ક્રિષ્ના સિંગ પટેલ એસ્ટેટમાં રહેતા 27 વર્ષીય વિભાદેવી રામનો મૃતદેહ મળી આવતા પોલીસે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી પરીણિતાના મૃત્યુ અંગેનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાના લગ્નને 7 વર્ષનો સમય થયો છે અને તેને 2 બાળકો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.