મહેસાણાઃ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે મહેસાણા નગરપાલિકાના 10 કરોડના વિકાસ કાર્યોના ભૂમિ પૂજન, લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં સમતોલ વિકાસની પરીભાષા દેશ અને દુનિયાને દેખાડી છે. રાજ્યમાં શહેરોમાં સતત વધી રહેલ પહેલને પગલે શહેરોનો સમતોલ અને સર્વાંગી વિકાસ થાય તે માટે સ્વચ્છ,સુંદર અને સુવિધાપુર્ણ શહેરો માટે સરકારે કટિબધ્ધતા બતાવી છે.
મહેસાણા નગરપાલિકાના વિવિધ વિકાસ અને લોકપયોગી કામોના ખાતમુર્હુત,ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા જેમાં મહેસાણા નાગલપુર ખાતે મ્યુનિસિપલ ફંડ અંતર્ગત સ્મશાન ડેવલપમેન્ટ કરવાનું કામ, મહેસાણા ખાતે 14માં નાણાંપંચની ગ્રાન્ટ અંતર્ગત ભૂગર્ભ પમ્પીંગ સ્ટેશન,સીવરેજ નેટર્વક બનાવવાનું કામ, મ્યુનિસિપલ હદ વિસ્તારમાં ટીપી-04ના નગરપાલિકા હસ્તકના તમામ રીઝર્વ પ્લોટની કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ તેમજ સોસાયટી સ્ટ્રીટ લાઇટની નિભાવણી તથા મેન્ટેનન્સ અને વીજ બીલ નગરપાલિકા દ્વારા ભરવાની યોજના લોન્ચ કરવામાં આવી હતી.
નાયબ મુ્ખ્યપ્રઘાનના વરદ હસ્તે કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસદ સભ્ય શારદાબેન પટેલ, રાજ્યસભા સંસદ જુગલજી લોખંડવાલા, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, નગરપાલિકા પ્રમુખ સહિત નગરપાલિકાના સભ્યઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.