મહેસાણાઃ જિલ્લામાં લોકડાઉન વચ્ચે મહેસાણા પોલીસને દારૂનો ડામ લાગ્યો છે, ત્યાં હજુ પણ દારૂના રવાડે ચડેલા તત્વો દારૂ નથી મૂકી રહ્યા ત્યારે સતલાસણા ખાતે આવેલી ધી મહેસાણા ડિસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ. બેન્ક લી. શાખાના બેન્ક મેનેજરે પોતાની ચાલુ ફરજ દરમિયાન મદિરાની મોજ માણી લેતા આખી બેન્ક માથે લીધી હતી.
દારૂના નશામાં મશગુલ બનેલા શાખા મનેજર હરગોવન દેસાઈ બેન્કમાં હાજર લોકો સાથે ધમાલ મચાવી હતી. જોકે મેનજરની ધમાલ વધતા ઉપસ્થિત લોકોએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી, ત્યારે સતલાસણા પોલીસે ઘટના સ્થળે પહોંચી નશામાં ચકચૂર એવા બેન્ક મેનેજરની અટકાયત કરી હતી.
આમ સતલાસણા ખાતે આવેલા મહેસાણા ડિસ્ટ્રીકના બેન્ક કર્મચારી નશાના હિલોળે ચડતા જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે ન માત્ર સતલાસણામાં જ પરંતુ સમગ્ર જિલ્લામાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.