- પાલિકાના 41 પૈકી 31 સભ્યોની ઉપસ્થિતિમાં યોજાઈ અંતિમ સામાન્ય સભા
- જ્યારે 35 પૈકી 33 કામોને સર્વાનુમતે મંજૂરી અપાઈ
- મહેસાણા પાલિકા પ્રમુખે કોંગ્રેસના શાસનમાં ગેરરીતિ થયાની આશંકા વ્યક્ત કરી
મહેસાણા : નગરપાલિકામાં ચાલુ ટર્મની અંતિમ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં લેવાયેલ નગરહિત 35 પૈકી 33 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, આ સામાન્ય સભામાં 41 પૈકી 31 જેટલા સભ્યો હાજર રહ્યા હતા. ત્યારે પાલિકામાં કોંગ્રેસ શાસનમાં લેવાયેલ સિટીબસ શરૂ કરવાના નિર્ણયને અગાઉની સભાઓની જેમ આ અંતિમ સભામાં પણ અધ્ધરતાલ કરી દેવાતા સિટીબસ શરૂ કરવા મથામણ કરતા કોર્પોરેટરોમાં નારાજગી વ્યાપી હતી. બીજી તરફ કેટલાંક કામોની ચર્ચા કરતા ભાજપ અને કોંગ્રેસના સભ્યો આમને સામને ચર્ચાના સંગ્રામમાં જોડાયા હતા. તો બન્ને પક્ષોના સભ્યોમાંથી પ્રજાહિતના કામોમાં CCTV કેમેરા લગાવવા, વૃક્ષારોપણ કરવું સહિતના કામો માટે પોતાની રજૂઆત કરી હતી.
શહેરમાં વૃક્ષારોપણ અને CCTV કેમેરા લગાવવા કોર્પોરેટરોએ કરી રજૂઆત
મહત્વનું છે કે, મહેસાણા પાલિકાની ચાલુ ટર્મની આ અંતિમ સામાન્ય સભા હોવાથી દરેક સભ્યોએ પોતાના મતવિસ્તારના મહત્વના કામો માટે રજૂઆત કરી હતી. જોકે, આ સમયે પાલિકા પ્રમુખ દ્વારા અગાઉના કેટલાંક કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સાથે તપાસ કરવાની વાત રજૂ કરી છે. જ્યારે ભૂતકાળમાં મુખ્યપ્રધાનની મહેસાણા મુલાકાત દરમિયાન રોશની કરવા મામલે થયેલ 10 લાખના ખર્ચ પર પણ અનેક સવાલો ઉઠ્યા છે. જે પણ ના મંજુર કરવામાં આવ્યા હતા.