સમગ્ર વિશ્વમાં જીરૂ, વરિયાળી અને ઈશબગુલ માટે જાણીતી એકમાત્ર એશિયાની પ્રથમ શ્રેણીની ઊંઝા APMCમાં ખેડૂતોના માલનું વેચાણ અને વેપારીના વેપાર માટે 17 ડિરેક્ટરોના બોર્ડની રચના કરાયેલી છે. પરંતુ APMCમાં મંડળીઓ રદ્દ થતા 2 ડિરેક્ટરોની સંખ્યા ઘટી છે. એટલે કુલ 15 ડિરેક્ટરોનું બોર્ડ બનવા જઈ રહ્યું છે.
ઊંઝા APMCને પોતાનો ગઢ બનાવનાર પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ અને તેમના પુત્રની 21 વર્ષની સત્તાનો અંત આવ્યો છે. આ વખતે યોજાયેલી ચૂંટણીના મતોની ગણતરી કરાઈ હતી. જેમાં ખેડૂત પેનલના 16 પૈકી 8, વેપારી વિભાગના 6 પૈકી 4 ડિરેક્ટરો વિજેતા થયા છે.
12 પૈકી 10 ડિરેક્ટરો ધારાસભ્ય આશા પટેલના જૂથના છે. જ્યારે બે સભ્યો અપક્ષ ચૂંટણી લડી વિજેતા થયા છે. આશા પટેલ જૂથના દિનેશ પટેલને 225 અને શિવમ રાવલને 222 મત મળ્યા છે. જ્યારે નારણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલને 109 મતો મળ્યા છે. 21 વર્ષ બાદ નારણ પેટલના પરિવારનો શાસનકાળ સમાપ્ત થયો છે. વિજય થયેલી પેનલે ફટાકડા ફોડી, ડી.જે.ના તાલ સાથે સરઘસ કાઢી જીતની ઉજવણી કરી હતી.